Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ઉછીના આપેલા ૪ લાખ પાછા માંગતા બેડીપરાના સમાજ સેવિકા જ્‍યોતિબેન વસોયા પર હુમલો

પરિચીત અંજુબેન બિમાર પડતાં તેને મદદ કરી હતીઃ રકમ પાછી માંગતા અંજુબેનના પતિ-સંતાનોએ બઘડાટી બોલાવી

રાજકોટ તા. ૪: બેડીપરામાં રહેતાં સમાજ સેવિકાએ પોતાના પરિચીત મહિલા બિમાર પડતાં તેને કટકે કટકે ચાર લાખ હાથ ઉછીના આપ્‍યા હોઇ હવે પોતાના માતા-પિતા પથારીવશ હોઇ આ પૈસા પાછા માંગતા પરિચીત મહિલાના પતિએ કોઇ પૈસા નથી દેવાના તેમ કહી ગાળો દેતાં અને તેના બે પુત્ર અને પુત્રીએ સમાજ સેવિકાના ઘરે આવી ધમાલ મચાવી મારકુટ કરતાં વાત પોલીસ સુધી પહોંચી હતી.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે બેડીપરા ભાવનગર રોડ પટેલ વાડી નજીક રહેતાં જ્‍યોતિબેન ગાંડુભાઇ વસોયા (પટેલ) (ઉ.વ.૩૬) નામના સમાજ સેવિકાની ફરિયાદ પરથી ભરત નાજાભાઇ રાઠોડ તથા તેના સંતાનો દિલીપ ભરતભાઇ રાઠોડ, પાર્થ ભરતભાઇ રાઠોડ અને નિરાલી ભરતભાઇ રાઠોડ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

જ્‍યોતિબેને પોલીસને જણાવ્‍યું છે કે હું વિધવા છું અને મારા પિતા સાથે રહુ છું. ઘરકામ સાથે હું સમાજ સેવાનું કામ પણ  કરુ છું. અગાઉ મારે ભરત રાઠોડના પત્‍નિ અંજુબેન સાથે ઓળખાણ થઇ હતી. એ પછીતેના પરિવારજનો સાથે પરિચય થયો હતો અને એક બીજાની ઘરે આવવા જવાના વ્‍યવહાર શરૂ થયા હતાં. અંજુબેન બિમાર થતાં તેમની સારવાર માટે પૈસાની જરૂર હોઇ મેં તેમને રૂા. ૪ લાખ હાથ ઉછીના કટકે કટકે તેના ચુનારાવાડ-૫ ખાતેના ઘરે આપ્‍યા હતાં.

હાલમાં મારા માતા-પિતા પથારીવશ હોઇ મારે પૈસાની જરૂર હોઇ જેથી ૨૩/૭ના રોજ અંજુબેનના પતિ ભરતભાઇ પાસે મેં મારી રકમ પાછી માંગતાં તેણે પૈસા નથી તેમ ચોખ્‍ખુ કહી દીધું હતું અને ફોન પર તેમજ રૂબરૂમાં ગાળો દીધી હતી. મેં વધુ ઉઘરાણી કરતાં તેણે કોઇ રકમ તમને આપવાની થતી નથી તેમ કહી દીધું હતું. ૨૪/૭ના રોજ તેના દિકરા દિલીપ, ર્પાથ અને દિકરી નિરાલીએ સવારે મારી ઘરે આવી ગાળો દીધી હતી અને નિરાલીએ મને ધક્કો મારી ઝપાઝપી કરી હતી. દિલીપે કોણીથી મને જમણા સાથળે અને પાર્થએ લાકડીથી મને માર માર્યો હતો અને ઘરની બહાર કાઢી મારકુટ કરી હતી.

નિરાલીએ મારો હાથ મરડી નાંખ્‍યો હતો. આ વખતે મારા મામા પ્રવિણભાઇ કેશુભાઇ લુણાગરીયા તથા મંજુબેન બાબુભાઇ રાઠોડ હાજર હતાં. આ પછી મેં પોલીસને જાણ કરી કરતાં ત્રણેય ભાઇ-બહેન જતાં રહ્યા હતાં. હોસ્‍પિટલમાં મેં પ્રાથમિક સારવાર લીધી હતી. હેડકોન્‍સ. એચ. જે .જોગડાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:10 pm IST)