Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

૨૨ વર્ષની યુવતિએ મિત્રના કહેવાથી બીજાને ફસાવવા બળાત્‍કારની ખોટી સ્‍ટોરી ઉભી કરી!

રાજકોટની ચોંકાવનારી ઘટનાઃ મિત્ર રાહુલના ફસાયેલા પૈસા કઢાવવા જૂઠનો સહારો લેવાયો પણ પોલીસે સત્‍ય શોધી કાઢતાં યુવતિએ નિવેદન નોંધાવી હોસ્‍પિટલમાંથી રજા લીધી : સિવિલ હોસ્‍પિટલે પહોંચેલી યુવતિએ તબિબને કહ્યું-હું મારા મિત્રના કહેવાથી તેના મિત્ર સાથે અવધ રોડ પર ગઇ ત્‍યાં કાફે નજીક એપાર્ટમેન્‍ટમાં બે શખ્‍સે મારી સાથે બાળત્‍કાર ગુજાર્યોઃ રાજકોટ-લોધીકા પોલીસ મોડી રાત સુધી દોડધામ કરી પછી યુવતિએ કહ્યું આવું કંઇ થયું જ નથી!

રાજકોટ તા. ૪: ‘સાહેબ, હું ગઇકાલે બપોરે મારા મિત્રના કહેવાથી તેના એક મિત્ર અને અજાણ્‍યા શખ્‍સ સાથે અવધ રોડ પર ગઇ હતી, ત્‍યાં એપાર્ટમેન્‍ટમાં મારા પર બે જણાએ બળજબરીથી બળાત્‍કાર ગુજાર્યો છે'...આવી વાત ગત સાંજે સિવિલ હોસ્‍પિટલમાં પહોંચેલી બાવીસ વર્ષની એક યુવતિએ ઇમર્જન્‍સી વોર્ડના તબિબને જણાવતાં જ તબિબે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસે ઉંડાણપુર્વક તપાસ શરૂ કરતાં જ સમગ્ર ઘટના તદ્દન ખોટી હોવાનું ખુલ્‍યું હતું. પોતાના મિત્રના ફસાયેલા પૈસા કઢાવવાના હોઇ આ કારણે મિત્રના કહેવાથી બીજાને ફસાવવા બળાત્‍કારની ખોટી સ્‍ટોરી ઘડયાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી.

નાના મવા રોડ વિસ્‍તારની એક યુવતિ સાંજે સિવિલ હોસ્‍પિટલ ખાતે પહોંચી હતી અને ઇમર્જન્‍સી વિભાગમાં જઇ પોતાની સાથે બળજબરી થયાનું કહેતાં જ તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીનો સ્‍ટાફ એન્‍ટ્રી નોંધવા પહોંચ્‍યો હતો. પોલીસ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં યુવતિએ કહ્યું હતું કે મને ગઇકાલે (તા.૩ના) બપોરે બે વાગ્‍યે મારા મિત્ર રાહુલનો ફોન આવતાં તેના મિત્ર રમેશ અને એક અજાણ્‍યા શખ્‍સ સાથે હું અવધ રોડ પર ફર્સ્‍ટ ડેટ કાફે નજીક આવેલા એપાર્ટમેન્‍ટ ખાતે ગઇ હતી. આ એપાર્ટમેન્‍ટમાં રમેશ અને તેની સાથેના શખ્‍સે મારી સાથે ઇચ્‍છા વિરૂધ્‍ધનું કૃત્‍ય કર્યુ છે.

પોલીસ ચોકીના સ્‍ટાફે આ મુજબની નોંધ યુનિવર્સિટી પોલીસને કરાવતાં પોલીસ આવી હતી અને મહિલા પોલીસ કર્મચારીઓને સાથે રાખી યુવતિને ઘટના સ્‍થળે લઇ જવાતાં હદ લોધીકા પોલીસની હોવાનું ખુલતાં ત્‍યાંના પીએસઆઇ એચ.આર. જાડેજા સહિતના પહોંચ્‍યા હતાં. તબિબે યુવતિને ઝનાના વિભાગમાં દાખલ કરી હતી. યુવતિની ફરિયાદ નોંધવાની કાર્યવાહી દરમિયાન પોલીસે પુછતાછ શરૂ કરતાં જ યુવતિ અમુક સવાલોના જવાબ આપવામાં ગોટે ચડી ગઇ હતી. પોલીસને શંકા ઉપજતાં તેણીની વિસ્‍તૃત પુછતાછ કરતાં અંતે તે ભાંગી પડી હતી અને પોતાના મિત્ર રાહુલે પૈસા બાબતે તેના મિત્ર સાથે માથાકુટ ચાલતી હોઇ જેથી રાહુલના કહેવાથી તેના મિત્રને ફસાવવા માટે ખોટી સ્‍ટોરી ઉભી કર્યાનું કબુલતાં પોલીસે તેણીના વાલીને બોલાવી નિવેદન નોંધ્‍યું હતું. આ પછી યુવતિએ હોસ્‍પિટલમાંથી રજા લીધી હતી.

(4:16 pm IST)