Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ઓનલાઇન ઠગાઇથી ૭.૮૨ લાખ અને ૭૧ હજાર ગુમાવનારાને સાયબર ક્રાઇમે રકમ પરત અપાવી

કોઇપણ જાતના મેસેજ કે લિંક પર ક્‍લિક નહોતી કરી છતાં નિલેષભાઇના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હતાં: અન્‍ય કિસ્‍સામાં ટૂર ટ્રાવેલ્‍સના ધંધાર્થીની વેબસાઇટ હેક કરી દુબઇની ટિકીટ મેળવી લેવાઇ હતી : કોઇપણ બેંક ઓનલાઇન માહિતી માંગતી નથી, જ્‍યારે પણ બેંકની માહિતી આપવાની થાય ત્‍યારે રૂબરૂ બેંકમાં જવું

રાજકોટ તા. ૪:  ઓનલાઇન છેતરપીંડી આચરતી ટોળકી લોકો સાથે સોશિયલ મિડીયા કે મોબાઇલ ફોન દ્વારા લાલચ, પ્રલોભન આપી કે બીજા કીમીયા અજમાવી તેના નાણા ચાંઉ કરી જતી હોય છે. આવી ટોળકીએ બે અલગ અલગ બનાવમાં શહેરના બે નાગરિક સાથે રૂાા. ૭,૮,૨૨૦૦ અને રૂા. ૭૧૪૬૦ની ઠગાઇ કરી હતી. આ બંને ભોગ બનનારને સાયબર ક્રાઇમ પોલીસે નાણા પાછા અપાવ્‍યા છે.

પ્રહલાદ પ્‍લોટમાં ક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટ ૪૦૧માં રહેતાં નિલેષભાઇ જોગીયાના ખાતામાંથી ઓનલાઇન ટ્રાન્‍જેક્‍શન મારફત રૂા. ૭,૮૨,૨૦૦ ઉપડી ગયા હતાં. તેમણે કોઇપણ જાતના મેસેજ કે લિંકને ક્‍લીક પણ નહોતા કર્યા છતાં તેમના બેંક એકાઉન્‍ટમાંથી અલગ અલગ ટ્રાન્‍જેક્‍શનથી રૂા. ૭,૮૨,૨૦૦ ઉપડી ગયા હતાં. આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરતાં ટેકનીકલ એનાલિસીસથી તેમની પુરેપુરી રકમ પરત અપાવાઇ હતી.

જ્‍યારે બીજા બનાવમાં અરજદાર દિપકભાઇ કારીયાની ટૂર એન્‍ડ ટ્રાવેલ્‍સ કંપનીની વેબસાઇટ હેક કરી તેના પરથી કોઇએ દુબઇની એર ટિકીટ બૂક કરાવી રૂા. ૭૧૪૬૦ની ઠગાઇ આચરી હતી. આ બનાવમાં પણ શહેર સાયબર ક્રાઇમની ટીમે અરજીને આધારે તપાસ કરી ભોગ બનનારને પુરેપુરી રકમ પાછી અપાવી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ તથા એસીપી સાયબર ક્રાઇમ એમ. વી. રબારીની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. વાળા, પીએસઆઇ ડી. બી. કાકડીયા, હેડકોન્‍સ. હરિભાઇ સોંદરવા, મોૈનિકભાઇ ટંકારીયા, કોન્‍સ. શિવાનીબેન ખોડભાયા, પિયુષભાઇ મુળશીયા, દિવ્‍યાબેન ચોૈહાણ, પુજાબેન વાળા અને ભાવેશભાઇ શિરોડીયાએ આ કામગીરી કરી હતી.

(4:18 pm IST)