Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજકોટના ૧૫૦ મનોદિવ્‍યાંગ બાળકોનું આર્થિક - કાનુની દ્રષ્‍ટિએ ભવિષ્‍ય સુનિヘતિ : લીગલ ગાર્ડીયનશીપ સર્ટી અપાયા

બાળકો સાથે કલેકટરનો વાર્તાલાપ : યુડીઆઇડી કાર્ડની કામગીરી પૂર્ણ

રાજકોટ તા. ૪ : ભારત સરકારના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મનોદિવ્‍યાંગ બાળકોનું આર્થિક અને કાનૂની દ્રષ્ટિએ ભવિષ્‍ય સુનિતિ કરવા નેશનલ ટ્રસ્‍ટ એક્‍ટ હેઠળ સેરેબલ પાલસી, ઓટીઝમ, ડાઉન્‍સિન્‍ડ્રોમ અને મલ્‍ટીપલ ડિસેબીલીટી ધરાવતાં બાળકોને ‘લીગલ ગાર્ડિયનશીપ સર્ટિફિકેટ' આપવામાં આવે છે. પૂરા ભારતભરમાં આ સર્ટિફેટ આપવાની સત્તા ડિસ્‍ટ્રીક મેજિસ્‍ટ્રેટને આપવામાં આવી છે. જે અન્‍વયે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુના હસ્‍તે આશરે ૧૫૦ જેટલાં મનોદિવ્‍યાંગ બાળકોને ‘લીગલ ગાર્ડિયનશીપ' સર્ટિફિકેટ એનાયત કરાયાં હતા. માનવીય અભિગમના દર્શન કરાવતાં કલેકટર અને નિવાસી અધિક કલેકટરે બાળકો પાસે જઈને સર્ટિફિકેટ અર્પણ કરીને વાર્તાલાપ કર્યો હતો.

આ તકે કલેકટરે મનોદિવ્‍યાંગ બાળકોના માતા પિતાની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, મનોદિવ્‍યાંગ બાળકો માટે ‘લીગલ ગાર્ડિયનશીપ' સર્ટિફિકેટ એક કિંમતી દસ્‍તાવેજ સ્‍વરૂપ છે. આ સર્ટિફિકેટના આધારે બાળકોને સરકારની યોજનાકીય સેવાઓનો લાભ સરળતાથી લઈ શકે છે. ઉપરાંત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની તમામ જરૂરિયાતોને પુરી કરવામાં હર હંમેશા પડખે ઉભું છે.

નેશનલ ટ્રસ્‍ટ બોર્ડના સભ્‍યશ્રી પૂજાબેન પટેલે ‘લીગલ ગાર્ડિયનશીપ' સર્ટિફિકેટના મહત્‍વ વિશે જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, મનોદિવ્‍યાંગ બાળક ૧૮ વર્ષે પુખ્‍ત વયના થાય એટલે તેમના બેન્‍ક એકાઉન્‍ટ, વારસાઈ અને નાણાકીય વ્‍યવહાર અને મિકલતો માટે આ સર્ટીફીકેટ ખૂબ અગત્‍યનું છે. બાળકનો હક કોઈ અન્‍ય વ્‍યક્‍તિ પચાવીના પાડે તે માટે કલેકટરને તેના ગાર્ડિયન નિમવાની સત્તા આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકના નામે જે મિકલત હોય તેની જાણકારી પણ કલેકટરશ્રીને કરવી ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે ૧૮ વર્ષની પહેલાં આ સર્ટિફિકેટ મેળવ્‍યું હોય તો બાળક ૧૮ વર્ષનું થાય તો ફરીથી આ સર્ટિફિકેટ રીન્‍યુ કરાવવાનું રહેશે.

ગુજરાત રાજય યુનિક ડિસેબીલીટી આઈ.ડી કાર્ડ કાઢવાની ૭૦ ટકા કામગીરી સાથે ભારતભરમાં સૌથી આગળ છે. તેમજ રાજકોટ જિલ્લામાં યુ.ડી.આઈ.ડી કાર્ડની કામગીરી પૂર્ણતાના આરે છે. વધુમાં રાજય સરકાર દ્વારા ‘ગુજરાત મેન્‍ટલી ડિસેબલ પેંશન સ્‍કીમ' યોજના હેઠળ રાજકોટનાં ૨૦૪૭ દિવ્‍યાંગ બાળકોને દર મહિને રૂપિયા ૧૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે.

(5:02 pm IST)