Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સુરત શહેર ગટરના પાણીથી કરે છે વાર્ષિક ૧૪૦ કરોડ રૂપિયાની કમાણી !

સુરત શહેર ગટરના પાણીથી કરે છે વાર્ષિક ૧૪૦ કરોડ રૂપિયાની કમાણી! : સુરત વિશ્વનું એકમાત્ર એવું શહેર છે કે જે ડ્રેનેજ વોટરથી ૧૪૦ કરોડ રૂપિયા જેટલી કમાણી કરે છે ! : SMC ગટરના ખરાબ પાણીને પ્રોસેસ કરી અને સ્વચ્છ પાણી વિવિધ ઉદ્યોગ સુધી પહોંચાડે છે : હાલ જે કેપેસિટી છે તેનું ૧૧૫ એમએલડી પાણી સુરતના પાંડેસરા અને સચિન વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને આપવામાં આવી રહ્યું છે : આગામી સમયમાં ઉદ્યોગોને ૫૦૦ એમ.એલ.ડી ટ્રીટેડ પાણી આપવાનું આયોજન

જીવ માત્રની અનિવાર્ય જરૂરિયાત એટલે પાણી. જળ એ સજીવો માટે અત્યંત આવશ્યક છે. દરેક સજીવના અસ્તિત્વ અને વિકાસ માટે પાણી જરૂરી છે. પરંતુ સીધું ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીનો જથ્થો મર્યાદિત છે. તેમાંય બિન આયોજિત ઝડપી ઔદ્યોગિક વિકાસ, વસ્તી વધારો, ગ્લોબલ ર્વોમિંગ અને પાણીના પ્રદૂષણના કારણે સીમિત ઉપલબ્ધ જળના પુરવઠામાં સતત ઘટાડો થતો ગયો છે. જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં જળ માટે યુદ્ધો થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. આવા ભયંકર સંજોગોમાંથી બચવા, સજીવોનું અસ્તિત્વ અને ટકાઉ વિકાસની પરિકલ્પના સાકાર કરવા અત્યારથી જ જળ વ્યવસ્થાપન કરવું અનિવાર્ય બન્યું છે ત્યારે જાણીને નવાઇ લાગશે પણ હીરા અને ટેકસટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર ગટરના પાણીમાંથી અયોજન કરી વાર્ષિક ૧૪૦ કરોડ રૂપિયાની ધીંગી કમાણી કરે છે, પણ કઈ રીતે?

તાજેતરમાં ''બીબીસી ગુજરાતી''ના વીડિયો અહેવાલ મુજબ સુરતના મ્યુનીસિપલ કમિશ્ન શ્રી બંછાનીધિ પાનીએ આ અંગે તેમાં આપી હતી. તમને જાણીને નવાઇ લાગશે પણ સુરત વિશ્વનું એકમાત્ર એવું શહેર છે કે જે ડ્રેનેજ વોટરથી ૧૪૦ કરોડ રૂપિયા જેટલી કમાણી કરે છે.!

આપણે સૌ જાણીએ છે કે, પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાંથી અંદાજિત ત્રણ ભાગ પાણી અને ચોથો ભાગ જમીન છે. સાથે એ પણ વાસ્તવિકતા છે કે, તેમાં ૯૭ ટકા પાણીનો જથ્થો સમુદ્રમાં છે જે પાણી સ્વાદમાં ખારૃં હોવાથી તે વપરાશ માટે સીધું ઉપયોગમાં લઈ શકાતું નથી. આશરે ૨.૭ ટકા પાણી વિશાળ હિમક્ષેત્રોમાં બરફ રૂપે છવાયેલું છે, અને માત્ર ૦.૩ ટકા મીઠું પાણી સરોવરો નદીઓ, કૂવા દ્વારા આપણા માટે પ્રાપ્ય છે. આમ શુધ્ધ જળ અથવા મીઠું પાણી કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાજ મૂકી શકાય તેમ છે. પાણી દરેક સજીવ માટે અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે. ત્યારે ઉદ્યોગોને પણ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે અને તેનો રસ્તો શોધી આવકનું માધ્યમ શોધી કાઢ્યું છે સુરત મહાનગર પાલિકાએ.

સુરત આજે કોઈ હીરા કે ટેકસટાઇલની ઉદ્યોગને કારણે નહીં પરંતુ ગટરના પાણીમાંથી મોટી આવક ઊભી કરવાના કારણે ચર્ચામાં આવ્યું છે. SMC  (સુરત મ્યુનીસિપલ કોર્પોરેશન) હાલ ગટરના ખરાબ પાણીને પ્રોસેસ કરી અને સ્વચ્છ પાણી વિવિધ ઉદ્યોગ સુધી પહોંચાડે છે. જેથી તેમને આશરે રૂ. ૧૪૦ કરોડ જેટલી મોટી રકમ પ્રાપ્ત થાય છે. આખા ભારતમાં જ નહિં વિશ્વમાં પણ આ એક એવું મ્યુનિસિપલ કોર્પોરેશન છે જેમાં ડ્રેનેજના પાણીથી આવક થાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ડ્રેનેજનું પાણી આવે છે. તેને પહેલા પ્રાયમરી લેવલે અને બીજા લેવલે ટ્રીટ કરવામાં આવે છે. તેના પછી તેને છોડવામાં આવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીજી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પછી ટર્શરી પ્લાન્ટ નાખીને એ પાણીને સદુપયોગ કરવાનું ચાલુ કર્યું છે. જે આખા દેશમાં રોલમોડલ તરીકે કામ કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન તાપી નદી દૂષિત ન થાય આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૯૭૧ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જે દૂષિત પાણી ઇન્ડસ્ટ્રીમાંથી તાપી નદીમાં જતું હતું, તેને રોકી સુરત મહાનગરપાલિકાએ રિસાઇકલ કરી શુદ્ધ પાણી ઇન્ડસ્ટ્રીને વેચી રહી છે અને વાર્ષિક ૧૪૦ કરોડથી પણ વધુની કમાણી કરે છે. જેથી તાપી નદી શુદ્ધ પણ રહે છે અને પાલિકાનું એક આવકનું સાધન પણ ઊભું થઈ ગયું છે. જે આખા દેશમાં એક મોડલ સમાન છે.

ઔદ્યોગિક નગર સુરતમાં સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી પસાર થતી તાપી નદીમાં દૂષિત પાણી જાય, પરંતુ સુરત શહેરમાં હવે આ જોવા નથી મળતું. કારણકે સુરત મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા દૂષિત પાણી રિસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીને જ વેચી દેવામાં આવતું હોય છે. સાથે જ તાપી નદીમાં જેટલા ૪૬ આઉટલેટ હતા, તેને બંધ કરી દેવાયા છે. તંત્ર એનજીટી અને સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન મુજબ જ તાપીમાં પાણીને જવા દેતી હોય છે.

સિંગણપોર ખાતે જે સ્ટોરેજ પ્લાન્ટ છે, ત્યાંથી તાપી નદીનું પાણી આખા સુરતમાં આપવામાં આવે છે. પાણી દૂષિત ન થાય આ માટે કાર્યવાહી કરવામાં આવે છે. ગણેશ વિસર્જન પણ તાપી નદીમાં બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાપી નદીમાં જે દૂષિત પાણી આવતું હતું, તે વોટર રિસાઈકલના કારણે આવતું નથી. સુરતમાં તાપી નદી ૮૫ કિલોમીટર સુધી પસાર થાય છે. સિંગણપોર સુધી ૩૩ કિલો મીટરની લંબાઈ છે અને તેના ઉપરનો જે ભાગ છે તેને દૂષિત પાણી રહિત પાણી તાપી નદીમાં પડે આ માટે ખાસ પ્રોગ્રામિંગ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધ થાય અને શુદ્ધ ગુણવત્તાનો પાણી મળી રહે.

સમગ્ર દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરએ એક સમયે બીજો ક્રમ પ્રાપ્ત કરી સ્વચ્છ સુરતના નામનો ફરી એક વખત ડંકો વગાડ્યો હતો. મ્યુનિ. કમિશનર તરીકે શ્રી બંછાનિધી પાનીએ સુરતનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે જ તેઓએ સુરતને સ્વચ્છતાની બાબતમાં ટોપ પર લઈ જવાનો નિશ્ચય કર્યો હતો. ફરી એક વખત સુરત વાઈબ્રન્ટ, બ્યુટિફુલ અને ડસ્ટ એન્ડ ગાર્બેજ ફ્રી સિટી તરીકે પોતાની નવી ઓળખ સ્થાપવા મજબૂત બન્યું છે.

આ ડ્રેનેજ પ્લાન અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ભારતમાં એવા કોર્પોરેશન છે જેમાં ડ્રેનેજના પાણીમાંથી આવક થાય છે. ત્યારે સુરત શહેરમાં જે ગટરનું પાણી આવે છે તેને પહેલા પ્રાથમિક લેવલે અને સેકન્ડરી લેવલે ટ્રીટ કરવામાં આવે છે તેના પછી તેને છોડવામાં આવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેકન્ડરી લેવલ પછી ટર્શરી પ્લાન્ટ નાખીને એ પાણીનો સદઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જે આખા દેશમાં એક રોલ મોડલ તરીકે કામગીરી કરી રહ્યું છે. હાલ જે કેપેસિટી છે તેનું ૧૧૫ એમએલડી પાણી સુરતના પાંડેસરા અને સચિન વિસ્તારમાં આવેલા ઉદ્યોગો ને આપવામાં આવી રહ્યું છે. જેમાંથી રૂપિયા ૧૪૦ કરોડ જેટલી માતબર રકમ સુરત મહાનગરપાલિકાને પ્રાપ્ત થાય છે.

શ્રી બંછાનીધિ પાની સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ત્રણ અલગ અલગ પ્રકારના મોડલ છે. જેમાં એક મોડેલ એ છે કે, એસટીપી માંથી જે પાણી છે તે સીધું જ આપી દેવામાં આવે. બીજું મોડલ જે છે તે ટર્શરી લેવલ માં પાણી ને ટ્રીટ કર્યા પછી ઉદ્યોગો ને આપવામાં આવે અને ત્રીજા નંબરનું જે મોડલ છે જેમાં ડ્રેનેજનું ગંદુ પાણી આવે છે તે ડાયરેકટ રો-વોટર ઉદ્યોગોને આપીને એ લોકો તેના ઉદ્યોગમાં ટ્રીટેડ વોટરના પ્લાન્ટ લગાવી તે પાણીને શુદ્ધ કરી અને તેનો ઉપયોગ કરે છે.

સુરત શહેરમાં આજુબાજુના વિસ્તારોમાં ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ એ વિસ્તારોમાં ખાસ કરીને અત્યારે ભારત સરકારશ્રીના ગાઇડ લાઇન્સ પ્રમાણે જે પાવર સેકટર છે એમાં ગંદુ પાણીનો ઉપયોગ કરવાનું ઠરાવવામાં આવેલ છે એટલે તેનું વાયોલેશન કોઈ રીતે ન થાય અને તમામ ઉદ્યોગો, પાવર જનરેટિંગ ઉદ્યોગો આ પાણી લે એના માટે નીતિ સુનિશ્ચિત કરવામાં આવી છે. વધુમાં જે બીજા ઉદ્યોગો છે જેમકે હજીરા છે, પલસાણા છે અને આગામી દિવસમાં ઈચ્છાપુર વગેરે એ તમામ ઉદ્યોગોને ટ્રીટેડ પાણી મળી રહે એવા આયોજનો કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ઉદ્યોગોને ૫૦૦ એમ.એલ.ડી ટ્રીટેડ પાણી આપવામાં આવશે. માટે ગુજરાત રાજ્ય સરકારશ્રીની જે પોલિસી છે તેની સાથે રહીને કઈ રીતે વધુમાં વધુ સુરત કોર્પોરેશનને આવક થાય અને ડ્રેનેજ પાણી માંથી વધુ કમાણી થાય તેના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(''બીબીસી ગુજરાતી'' ના વીડિયો અહેવાલમાંથી પ્રસ્તુત - https://youtu.be/r8CVnynG_qI)

ભૂગર્ભ જળનું વધતું જતું દોહન

વર્તમાન સમયમાં ભારતમાં નદી, સરોવર, તળાવ વગેરે જેવા સપાટી પરના જળ સ્ત્રોત છે. જેની ઉપલબ્ધતા ઘટતી જાય છે. ગ્લોબલ વોર્મિગના કારણે ઋતુ ચક્રમાં ફેરફાર થવાના કારણે કેટલાક વિસ્તારમાં દુષ્કાળ પડે છે. તો કેટલાક વિસ્તારોમાં લીલો દુષ્કાળ આમ વરસાદની અનિશ્ચિતતાના કારણે અને જળ પ્રદૂષણ વધવાના કારણે ભૂગર્ભ જળ પર વધુ આધાર રાખવો પડે છે. તેથી ભૂગર્ભ જળ નું જેટલું રિર્ચાજિંગ થાય છે તેનાથી વધુ તેનુ દોહન થાય છે. પરિણામે ભારતના કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળ સપાટી નીચી ઉતરતી જાય છે. એક અંદાજ મુજબ જ્યાં જળસ્તર નીચુ છે ત્યાં ૨.૧ કરોડ કુવા ખોદાઈ ગયા છે. વિશ્વબેંક પોતાના અહેવાલમાં જણાવે છે કે, ભારતની સિંચાઈની ૭૦ ટકા જરૂરિયાત માટે ભૂગર્ભજળનો ઉપયોગ થઈ રહ્યો છે અને ૮૦ ટકા જેટલું પીવાનું પાણી જમીનમાંથી ખેંચવામાં આવે છે. તેના કારણે ભૂગર્ભજળના બધા જળભંડારો ખતમ થઈ ગયા હશે અને આખોદેશ પાણી વગર તરફડતો હશે. ત્યારે દિવસેને દિવસે સર્જાતી પાણીની ઊણપ નિવારવા માટે સુરતનું આ ડ્રેનેજ વોટર મોડલ મદદગાર સાબિત થઈ શકે છે.

પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:03 pm IST)