News of Friday, 7th October 2022
રાજકોટ તા. ૭: રૈયાધારમાં અગાઉ રહેતાં વણકર પરિવારના પુત્રએ પડોશના વણકર પરિવારની દિકરીને ભગાડીને આઠ મહિના પહેલા લવમેરેજ કરી લીધા હોઇ અને હવે આ પરિવાર લોધીકાના મોટાવડા ગામે રહેવા જતો રહ્યો હોઇ યુવતિના પિતા સહિતના પરિવારજનોએ ગઇકાલે ઇકો કાર મારફત મોટાવડા પહોંચી દિકરીના સાસુ સહિતના લોકોની આંખમાં મરચાની ભુકી છાંટી ધોકા, પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ચાર જણા ઘાયલ થયા હતાં.
જાણવા મળ્યા મુજબ મોટાવડા ગામે રહેતાં સવિતાબેન કાંતિભાઇ બગડા (ઉ.૪૦) ગઇકાલે ઘરે હતાં ત્યારે રૈયાધારથી પ્રવિણભાઇ ભાણજીભાઇ પરમાર, તેના પત્નિ કાંતાબેન, ભાઇ અશોકભાઇ,પુત્રી તૃપ્તીબેન, સાળા ચમનભાઇ, હર્ષાબેન, કપીલાબેન સહિતના ઇકો કારમાં આવ્યા હતાં અને સવિતાબેનની આંખમાં મરચાની ભુકી છાંટી ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો.
દેકારો મચી જતાં સવિતાબેનને બચાવવાતેના સસરા ગોવાભાઇ ચનાભાઇ બગડા (ઉ.૬૪), જેઠાણી ગીતાબેન ધરમશીભાઇ બગડા (ઉ.૪૨) તથા ભત્રીજો ભરત ધરમશીભાઇ બગડા (ઉ.૨૪) દોડી આવતાં તેના ઉપર પણ મરચુ છાંટી હુમલો કરવામાં આવતાં ચારેયને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી.
સવિતાબેને જણાવ્યું હતું કે અમે અગાઉ રૈયાધાર રહેતાં હતાં. મારા દિકરા જીતેન્દ્રએ આઠ મહિના પહેલા પડોશી પ્રવિણભાઇ પરમારની દિકરી જાગૃતિ સાથે લવમેરેજ કરી લીધા હોઇ અમારે પ્રવિણભાઇના પરિવાર સાથે મનદુઃખ થતાં અમે બધા રૈયાધારનું મકાન છોડી અમારા ગામ મોટાવડા રહેવા આવી ગયા છીએ. દિકરાના લવમેરેજનું મનદુઃખ ચાલતું હોઇ ગઇકાલે જાગૃતિના પિતા પ્રવિણભાઇ સહિતના ઇકો કાર ભરીને મોટાવડા આવ્યા હતાં અને અમારા પર મરચાની ભુકી છાંટી હુમલો કરી ભાગી ગયા હતાં. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.