Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ખેરવા ગામનો રાજકોટ જીલ્લામાં સમાવેશ નહી થાય તો ચૂંટણી બહીષ્કાર

ગ્રામવાસીઓએ પોતાના ગામને મોરબી રેવન્યુ વિસ્તારના બદલે રાજકોટ રેવન્યુમાં સમાવિષ્ટ કરવા ચીમકી ઉચ્ચારી

રાજકોટ, તા. ૮ :. મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામના રહેવાસીઓએ પોતાના ગામનો રાજકોટ જીલ્લા-તાલુકામાં સમાવેશ નહીં થાય તો સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનો બહીષ્કાર કરવાની ચીમકી આપી છે.

ખેરવા ગામનો સમાવેશ તાત્કાલિક ધોરણે રાજકોટ તાલુકાના રેવન્યુ વિભાગમાં કરવામાં આવે તેવી રજૂઆત કરતા આ બાબતે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા એવોે પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ છે કે ૧ થી ૮ મુદ્દાઓની પૂર્તતા માટે અધિકારી અને પદાધિકારીઓને મોકલવામાં આવેલ છે પણ કોઈ અધિકારી કે પદાધિકારી દ્વારા અભિપ્રાય રજુ થયેલ નથી તો આ બાબતે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા અધિકારી કે પદાધિકારી પાસે અભિપ્રાયનો તાત્કાલીક નિકાલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહિ મુખ્યમંત્રી શું અધિકારી કે પદાધિકારી ઉપર સરકારનો કોઈ ભય કે ડર રહ્યો નથી કે શું ? આ બાબતે તાત્કાલીક કાર્યવાહી કરાવવા ખેરવા ગામના લોકો દ્વારા માંગણી કરાઈ છે.

ઉપરોકત વિષય પરત્વે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા અમને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે કે સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પત્ર ક્રમાંક વસત /૧૦૨૦૧૯ /૧૫૯૧(સ) તારીખ ૨૬/૦૯/૧૯ના પત્રથી જણાવ્યા અનુસાર વસ્તી ગણતરીની કામગીરી સંદર્ભે હાલ જિલ્લા તાલુકા નગરપાલિકા અને મહેસુલી ગામોની હદમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તેમ જણાવેલ, સબબ પ્રસ્તુત બાબતે હાલ કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી એવુ જણાવેલ છે.  તાત્કાલિક ધોરણે ખેરવા ગામનો નિર્ણય કરી જે રીતે સુરેન્દ્રનગરના પાંચ ગામ રાજકોટ જિલ્લામાં તેમજ રાજકોટ તાલુકાના ૪ ગામ રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કરેલ છે તો ખેરવા ગામનો સમાવેશ રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકામાં રેવન્યુ વિભાગમાં કરવામાં આવે અને આ માટે વહીવટી તંત્રને તાત્કાલીક કાર્યવાહી કરવા આદેશ આપશો. અમે વારંવાર ઈમેલ અને ટ્વીટમાં રજૂઆત કરીને થાકી ગયા છીએ તો અમારે હવે કાયદાકીય રીતે નામદાર કોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની ફરજ પડશે.

અમારા ખેરવા ગામનો નિર્ણય ૩૦ દિવસમાં કરવામાં નહિ આવે તો અમો સમગ્ર ગામ લોકો વિધાનસભા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર અને સરકારની રહેશે તેવી ચિમકી રવિરાજસિંહ ઝાલા સહિત ગ્રામજનોે દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

(3:37 pm IST)