Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

બિરેન્દ્રએ દિવાલ કુદી ઘરમાંથી ચોરીનો પ્રયાસ કરતાં મિત્ર સંજય દેત્રોજાએ જ પતાવી દીધો'તોઃ ધરપકડ

રવેચીનગરમાં થયેલી હત્યાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી આરોપીને શિહોરથી પકડ્યો

રાજકોટઃ ગોંડલ રોડ શિવ હોટેલ નજીકથી રોડ ડિવાઇડર પરથી મળેલી લાશ યુપીના બિરેન્દ્ર ગુડ્ડુભાઇ રાજભર-ભૈયા (ઉ.વ.૩૦)ની હોવાનું ખુલ્યા બાદ આજીડેમ પોલીસની ટીમે જયપાલભાઇ બરાલીયા અને કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી કલાકોમાં ભેદ ઉકેલી આરોપી બિરેન્દ્રના જ મિત્ર રવેચીનગર બજરંગ સોસાયટીમાં રહેતાં કિશન વિનુભાઇ દેત્રોજાને શિહોરથી પકડી લઇ  ધરપકડ કરી છે. પંદર હજાર રૂપિયા બિરેન્દ્ર ઉછીના લઇ ગયો હોઇ તે આપતો નહોતો તેમજ ૭મીએ ઘરની દિવાલ કુદી ચોરી છુપીથી ઘરમાંથી પૈસા લઇ જવાનો પ્રયાસ કરતાં ઝઘડો થતાં તેને માર માર્યાનું અને બાદમાં રોડ ડિવાઇડર પર સુવડાવી ચાદર ઓઢાડી દીધાનું કિશને કબુલ્યું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે.ચાવડા તથા પો.સબ ઇન્સ. એમ.ડી.વાળા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, એએસઆઇ વાય. ડી. ભગત, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા,  કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા તથા ભીખુભાઇ મૈયડ કાર્યવાહી બાદ આરોપીને કોર્ટ હવાલે કરવા તજવીજ કરી હતી. આરોપી કિશન અગાઉ ચોરીના છ ગુનામાં રાજકોટના એ-ડિવીઝન, ભકિતનગર, ગાંધીગ્રામ, થોરાળા અને જુનાગઢ પોલીસના હાથે પકડાયો હતો.

(2:40 pm IST)