Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

શિક્ષણ સમિતિના ૧૨ સભ્‍યો બિનહરીફઃ સરકાર નિયુક્‍ત ત્રણની નિમણૂંક બાકી

ચૂંટણી અધિકારી મેયર ડો. પ્રદિપ ડવ સમક્ષ પૂર્વ કોર્પોરેટરો, ડોકટરો, વકિલો અને પી.ઍચ.ડી. સહિતના ઉચ્ચ શિક્ષિતોઍ ફોર્મ રજૂ કર્યા : હવે પછી સરકાર નિયુક્ત ત્રણની નિમણૂંક

શિક્ષણ સમિતિના સદસ્‍યોની ચૂંટણી અંતર્ગત મેયર અને નિર્વાચન અધિકારી ડો. પ્રદિપ ડવે ઉમેદવારી પત્રો સ્‍વીકાર્યા તે વખતની તસ્‍વીરમાં ૧૨ ઉમેદવારો તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવા વિગેરે નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૨ : મ.ન.પા. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્‍યોની ચૂંટણી માટે આજે ફોર્મ જમા કરાવવાના છેલ્લા દિવસે ભાજપ પ્રેરીત ૧૨ સભ્‍યોએ ફોર્મ જમા કરાવેલ અને નિયત સમય મર્યાદામાં વિપક્ષ કોંગ્રેસ કે અન્‍ય કોઇ ઉમેદવારના ફોર્મ નહી ભરાતા ભાજપના તમામ ૧૨ સભ્‍યો બિનહરિફ ચૂંટાયા હતા. જ્‍યારે હવે અન્‍ય ત્રણ સરકાર નિયુક્‍ત સભ્‍યની નિમણૂંક આગામી એક-બે દિવસમાં થયા બાદ શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થશે.

ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાયા બાદ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીઓ યોજાતી હોય છે ત્‍યારે રાજયના માન. મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અઘ્‍યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍યો શહેર ભાજપ અઘ્‍યક્ષ કમલેશ મિરાણી ઘ્‍વારા જાહેર કરવામાં આવેલ છે.

આ અંતર્ગત વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડએ  જણાવ્‍યું હતું કે રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્‍ય વિજય થયા બાદ રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્‍વમાં શહેરની શાળાઓ અદ્યતન બની છે અને સરકારી સ્‍કુલના બાળકો પણ ઉચ્‍ચ અભ્‍યાસ કરી શકે તે માટે અનેકવિધ જોગવાઈઓ કરવામાં આવી છે અને બાળકોમાં પ્રતિભા વધે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા અવનવા કાર્યક્રમો અને ગુણોત્‍સવ અને શિક્ષણ વાઈબ્રન્‍ટ મેળાઓનું પણ આયોજન પણ કરવામાં આવેલ છે ત્‍યારે બાળકોની શિક્ષણની ગતિને આગળ ધપાવવાના હેતુસર ભારતીય જનતા પાર્ટી ઘ્‍વારા શિક્ષણ સમિતિમાં ગ્રેજયુએટ સભ્‍યોનો સમાવેશ કરવામાં આવેલ છે, તેમજ પાર્ટીની ગાઈડલાઈન મુજબ ૬૦ વર્ષથી  નીચેનાને તક આપવામાં આવેલ છે તેમજ આ શિક્ષણ સમિતિના સભ્‍યોમાં ત્રણ ટર્મથી વધુ નહી લડેલા પૂર્વ કોર્પોરેટરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.આ સમિતિમાં ડોકટરો, વકીલો, પી.એચ.ડી. અને સ્‍નાતક સભ્‍યોનો સમાવેશ કરવામાં આવેલ છે.

ઉપરોકત શિક્ષણ સમિતિના સભ્‍યોને ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્‍યા હતા.

 

ચૂંટાયેલા ૧૨ સભ્‍યોના નામ

ડો. મેઘાવીબેન સિંધવ

જાગૃતીબેન ભાણવડીયા

સંગીતાબેન છાયા

ડો. પીનાબેન કોટક

અતુલભાઈ પંડિત

ધૈર્યભાઈ પારેખ

કીરીટભાઈ ગોહેલ

વિજયભાઈ ટોળીયા

જયંતીભાઈ ભાખર

તેજશભાઈ ત્રિવેદી

કિશોરભાઈ પરમાર

રવીભાઈ ગોહેલ

 

કોંગ્રેસના ૧ ઉમેદવારે ફોર્મ ઉપાડયું હતું પરંતુ હાર નિતિ હોઇ ભર્યું નહી

રાજકોટ : શિક્ષણ સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના એકેય ઉમેદવારે ફોર્મ ભર્યું નહતું. ચૂંટણી અધિકારી મેયર પ્રદિપ ડવના કાર્યાલયમાંથી જાણવા મળ્‍યું હતું કે, ચૂંટણી માટે કોંગ્રેસના ૧ ઉમેદવારે ફોર્મ ઉપાડયું હતું પરંતુ મ.ન.પા.ના જનરલ બોર્ડમાં કોંગ્રેસ પાસે આ ચૂંટણી જીતવા માટે પુરતું સંખ્‍યાબળ નહી હોવાથી હાર નિતિ હોઇ તેઓએ ફોર્મ ભર્યું નહતું.

(3:42 pm IST)