Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

રસીકરણ મહાઅભિયાનનો હિસ્‍સો બનતુ ‘અકિલા'

અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી અજીતભાઇ તથા વેબ એડીટર નિમીષભાઇના માર્ગદર્શન હેઠળ ગણાત્રા પરિવાર તથા અકિલા પરિવારના સભ્‍યોએ રસી મૂકાવી

રાજકોટ : વૈશ્વિક મહામારી જાહેર થયેલ કાળમુખા કોરોનાએ કહેવાતી બીજી લહેરમાં રાજકોટ સહિત સમગ્ર ભારત હાહાકાર મચાવી દીધો છે. રોજેરોજ હજારો લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. મૃત્‍યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને હરાવવા માટે તથા તેનાથી બચવા માટે સરકારશ્રીની કોવિડ ગાઇડલાઇન્‍સ (માસ્‍ક પહેરવું, સેનિટાઇઝેશન, સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગ, થર્મલ ગનનો ઉપયોગ વગેરે)ના અમલ સાથે કોરોના વેકસીન લેવાનું પણ અનિવાર્ય ગણાવાઇ રહ્યું છે.

સમગ્ર વિશ્વમાં વિકરાળ બનેલા કોવિડ-૧૯ સામે વિશ્વભરમાં વેક્‍સિનરૂપી લડત ચાલી રહી છે. ત્‍યારે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, વેબ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ ગણાત્રા પરિવાર તથા અકિલા પરિવારના સભ્‍યો માટે કોરોના વેક્‍સિન મુકાવવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

અકિલાના આંગણે યોજાયેલ કેમ્‍પમાં શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા, શ્રી નિમીષભાઇ ગણાત્રા, શ્રીમતિ વિણાબેન અજીતભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમીષભાઇ ગણાત્રા તથા મીનાબેન ચગ તેમજ અકિલાના પરિવારના જયદેવસિંહ જાડેજા, રણજીતસિંહ ચૌહાણ, ભાવેશભાઇ કુકડીયા, ધીરૂભાઇ સોલંકી, અજયસિંહ બારડ, ધર્મેશભાઇ બારડ, કૌશિકભાઇ, મહમદભાઇ, રમેશચંદ્ર મકવાણા તથા અરૂણભાઇ મકવાણા સહિતના ૧૦૦થી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

આ સમગ્ર રસીકરણ અભિયાન માટે મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, આરોગ્‍ય સમિતિ ચેરપર્સન ડો. રાજેશ્વરીબેન ડોડીયા, મ્‍યુ. કમિશનર ઉદિત અગ્રવાલ તેમજ પ્રભારી અધિકારી આશિષભાઇ વોરા, મેયરના અંગત મદદનીશ કનુભાઇ હિંડોચા તેમજ આરોગ્‍ય કેન્‍દ્રના નર્સીંગ સ્‍ટાફે ભરપૂર સહયોગ આપ્‍યો હતો.

(4:43 pm IST)