Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પ્રથમ લગ્ન ૨૦ દિવસમાં તૂટી ગયા, બીજા લગ્નના ૧૫ દિવસ બાદ ત્રાસ

સાસુ રસોઇ બહાર ફેંકી દઇ કહેતાં તને કંઇ આવડતું નથીઃ હાલ મવડી માવતરે રહેતી એન્જલ બારસીયાની કોઠારીયા રહેતાં પતિ, સાસુ, સસરા વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૧૨: મવડી ગામ બાપા સિતારામ ચોક શિવાય કોમ્પલેક્ષમાં હાલ માવતરે રહેતી એન્જલબેન ચિરાગ બારસીયા (પટેલ) (ઉ.વ.૨૪) નામની પરિણિતાને લગ્નના પંદર જ દિવસ બાદ પતિ, સાસુ, સસરાનો ત્રાસ ચાલુ થઇ ગયાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ છે. સાસુ  રસોઇ બહાર ફેંકી દઇ તને રસોઇ આવડતી નથી, ઘરનું કામ આવડતું નથી કહી મેણા મારતાં હોવાનો અને પતિ દવાખાને દવા લેવા પણ લઇ જતાં ન હોવાનો આરોપ મુકાયો છે.

બનાવ અંગે પોલીસે એન્જલબેનની ફરિયાદ પરથી કોઠારીયા સુરભી-૨ પિતૃકૃપા ખાતે રહેતાં પતિ ચિરાગ, સસરા પરષોત્તમભાઇ બારસીયા અને સાસુ હંસાબેન સામે આઇપીસી ૪૯૮ (ક), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે  મારા લગ્ન રાજકોટ મુકામે ચિરાગ પરસોત્તમભાઇ બારસીયા સાથે તા.૨૭/૧૧/૨૦૨૦ના રોજ થયા છે. અમારા બંનેના બીજા લગ્ન છે, પ્રથમ લગ્નમાં  પતિ પત્નિને મનમેળ ન હોઇ જેથી લગ્નના ૨૦ દિવસ બાદ અમો બંનેએ રાજીખુશીથી છુટાછેડા લીધેલ અને બાદ છએક વર્ષ પછી મે આ ચિરાગ સાથે બીજા લગ્ન અમારી જ્ઞાતીના રીત રિવાજ મુજબ કર્યા છે. મેં બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે.

લગ્ન બાદ હું મારા સાસરીમાં રાજકોટ ખાતે મારા પતિ- ચિરાગ, સાસુ- હંસાબેન સસરા પરસોત્તમભાઇ સાથે સંયુકત પરીવારમાં રહેવા ગયેલ. લગ્નના પંદર દિવસ અમારો સંસાર સારો ચાલેલ, બાદ અમારા સાસરીએ રાંદલમાતાના લોટા તેડેલ અને મારા સાસુ મારી સાથે લોટી બાબતે ઝગડો કરવા લાગેલ, ત્યારે મારા પતિ ત્યાં જ ઉભા હતા પણ તેણે મારા સાસુને કાંઇ કહેલ નહી. બાદ અમે મારા માસીજીના ઘરે સુરત મુકામે મારા સાસુ સસરા તથા મારા પતિ સાથે ગયેલ. તે દરમ્યાન પણ મારા સાસુ મારી સાથે અપશબ્દો બોલવા લાગેલ, અને મારા પતિ કામકાજે બહાર જાય બાદ મારા સાસુ સસરા મારી સાથે કામકાજ બાબતે ઝગડા કરી મને અપશબ્દો બોલતા.

આ વિશે  મેં મારા પતિને કહ્યું તો તેઓ કાંઇ બોલે નહી. અને હું રસોઇ બનાવુ તો મારા સાસુ મારી રસોઇ બહાર નાખી દે અને કહે કે તને રસોઇ બનાવતા આવડતી નથી, ઘરનુ કોઇ કામ આવડતું નથી. લગ્નના આશરે દોઢેક મહિના બાદ મારી તબીયત સારી ન હતી અને આ બાબતે મે મારા પતિને કહેલ કે મને ડોકટર પાસે લઇ જાવ. પરંતુ મારા પતિ કોઇને કોઇ બહાના કાઢીને ટાળી દેતા અને મને સારવારમાં લઇ ગયેલ નહી. બાદ મે મારા માતા પિતાને ફોન કરતા મારા માતા પિતા મને તેડી ગયેલ અને મારા પિયરમા સારવાર કરાવેલ અને ત્યારથી હું મારા માતા પિતાના ઘરે છું. આ દરમ્યાન અમો વચ્ચે સમાધાનના  પ્રયત્નો કરેલ પરંતુ મારા પતિ મને તેડવા આવેલ નહી. અને કોઇ જવાબ આપેલ નહી. જેથી મારે ફરિયાદ કરવી પડી છે.

(12:55 pm IST)