Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

૧૯મીએ રાજકોટ કોર્પોરેશન ૪૮ વર્ષનું થશે : કોરોના વિધ્નને કારણે સ્થાપના દિનની ધામધૂમ નહી થાય

૧૯૭૩માં મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો હતો : દર વર્ષે રંગોળી સ્પર્ધા - સંગીત સંધ્યા સહિતના આયોજનો થાય છે : આ વખતે કાર્યક્રમો રદ્દ

રાજકોટ તા. ૧૨ : અત્રેની મહાનગરપાલિકાનો આગામી તા. ૧૯ નવેમ્બરે ૪૮મો સ્થાપના દિન છે. દર વર્ષે આ સ્થાપના દિને તંત્ર દ્વારા વિવિધ સ્પર્ધાઓ અને સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાય છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણની સ્થિતિને કારણે ઉજવણીના કાર્યક્રમો રદ્દ કરવા પડશે તેમ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટને ૧૯૭૩માં ૧૯ નવેમ્બરે મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો હતો. ત્યારથી દર ૧૯ નવેમ્બરે મ.ન.પા.ના તંત્રવાહકો દ્વારા મ.ન.પા.નો સ્થાપના દિન ઉજવવામાં આવે છે અને આ દિવસે મુખ્ય કચેરીને રોશની શણગાર તેમજ કચેરીમાં કર્મચારીઓ માટે રંગોળી સ્પર્ધા ઉપરાંત વોર્ડ વાઇઝ લોકડાયરા વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સમગ્ર શહેરની જનતા માટે બોલીવુડના પ્રસિધ્ધ પ્લેબેક સીંગરોની ધમાકેદાર સંગીત સંધ્યા સહિતના આયોજનો થાય છે.

જોકે આ વર્ષે છેલ્લા ૮ મહિનાથી કોરોના સંક્રમણની સ્થિતિ છે. વચ્ચે બે ત્રણ અઠવાડિયા સુધી સંક્રમણ ઓછું થયું હતું પરંતુ દિવાળીના તહેવારોમાં ફરી લોકોના ટોળા એકત્ર થવા માંડતા ફરી કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે આ વર્ષે મ.ન.પા.નો ૪૮મો સ્થાપના દિન ધામધૂમથી નહી ઉજવી શકાય. તેમ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

આમ, છેલ્લા ઘણા વર્ષોથી સ્થાપના દિન ઉજવણીનો સીલસીલો આ વર્ષે કોરોનાના કારણે તૂટશે કેમકે સાવચેતી અત્યંત જરૂરી છે.

(2:44 pm IST)