Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મુખ્યમંત્રીના હોમટાઉનમાં રાહતદરે અનાજ વિતરણમાં તંત્રના ઠાગાઠૈયાઃ ગૃહિણીઓને ધક્કા મહિલા કોંગ્રેસની રજુઆત

દુકાનદારોને અનાજનો જથ્થો મળતો નથીઃ યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં પુરવઠા નિગમને આવેદન અપાયું

પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રાજકોટ સ્થિત પુરવઠા નિગમના મેનેજરને આવેદન પાઠવતા મહિલા કોંગ્રેસના આગેવાનો રાજકોટ શહેર પ્રમુખ મનિષાબા વાળા, દિપ્તિબેન સોલંકી, સરોજબેન રાઠોડ, પ્રફુલબેન ચૌહાણ, હિરબેન સહીતના મહિલા અગ્રણીઓ જોડાયા હતા. તેવખત તસ્વીર(૬.૨૦)

રાજકોટ તા. ૧૪ : શહેરમાં રેશનકાર્ડ પર રાહતદરે અનાજ વિતરણમાં ભારે અવ્યવસ્થા હોઇ ગૃહીણીઓને અનાજ મેળવવા માટે ધકકા થઇ રહ્યાની રજુઆત પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની  આગેવાનીમાં શહેર મહીલા કોંગ્રેસ દ્વારા પુરવઠા નિગમના મેનેજરને આવેદન પર પાઠવીને કરાઇ હતી.

આ આવેદનમાં જણાવાયું છે કે કોરોના મહામારીને ધ્યાને લઇ ગરીબોને રાહત મળે તે હેતુથી દેશના વડાપ્રધાને દિવાળી સુધી મફતમાં ઘઉં-ચોખા આપતા જ રહેશું એવી જાહેરાત કરી હતી પરંતુ આજદીન સુધી રાશનની દુકાનો સુધી પુરતી માત્રામાં જથ્થો પહોંચાડવામાં રાજય સરકારનું પુરવઠા નિગમ નિષ્ફળ રહ્યું છે.

કેમ કે રાજય સરકાર દ્વારા દર મહીને મહત્તમ રાહત દરે જે વિતરણ કરવામાં આવતી વસ્તુઓ અનેકન્દ્ર સરકાર દ્વારા એન.એફ.એસ.એ યોજના અંતર્ગતનો વિતરણ માટેનો અનાજનો જથ્થો તા.૧૧ જુનથી લાભાર્થીઓને સસ્તા અનાજની  દુકાન ઉપરથી વિતરણ માટેની મોટી જાહેરાતોમાં માન.વડાપ્રધાનશ્રી અને મૂખ્યમંત્રીશ્રીના ફોટા સાથે કરી દેવામાં આવી ખરી પરંતુ રાજય સરકારના પુરવઠા નિગમના અણધડ વહીવટના કારણે આજે પણ ગરીબ લોકોને મફતમાં મળતા ઘઉ-ચોખા તેમજ રેશનીંગ ઉપર દર માસ રાહત દરના અનાજ, કઠોળ, ખાંડ, મીઠું સહીતની વસ્તુઓનો જથ્થો પુરતી માત્રામાં રાજયના પુરવઠા નિગમ દ્વારા સમયસર પહોંચાડવામાં આવતો નથી. જેના કારણે ગરીબ માણસો આખો મહિનો સસ્તા અનાજની દુકાને ધકકા ખાતા રહે છે.

આવેદનમાં વધુમાં જણાવાયું છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં અંદાજીત ૭પ જેવી સસ્તા અનાજની દુકાનને જ રપ થી ૩૦% જેટલો જથ્થો મળ્યો છે. ૧૭૮ જેવી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા ચલણ ભરપાઇ કરી પરમીટ સહીતની વિધિ પુર્ણ કરી હોવા છતા પુરવઠા નિગમ દ્વારા ટ્રાન્સપોર્ટેશન અનેમજુરોની તંગી બાબતની બાનાબાજી કરવામાં આવે છે  ત્યારે અમારી રજુઆત છે કે તાત્કાલીક ધોરણે રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો દુકાનો સુધી ઝડપથી પહોંચાડવામાં આવે અને અત્યાર સુધીની નબળી કામગીરી બાબતે આ કામના જવાબદાર અધિકારીઓ આ કામગીરી માટેના ટ્રાન્સપોર્ટેશનના કોન્ટ્રાકટરો અને આ કામગીરી બાબતે મજુરો સપ્લાય કરતી જવાબદાર એજન્સીઓ સામે પણ પગલા ભરવામાં આવે તેમજ જો મજુરોની અછત હોય તો તાત્કાલીક ધોરણે આ કામગીરી કરવા સક્ષમ લેબર સપ્લાય એજન્સીની નિમણુંકો કરવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને દુરસ્ત કરી ગરીબોને સમયસર સમય મર્યાદામાં સરકાર દ્વારા નિર્ધારીત કરેલા કાર્યક્રમ મુજબ મળવા પાત્ર અનાજ અને અન્ય વસ્તુઓ સમયસર મળી રહે તે બાબતે યોગ્ય કરવા માંગ છે.

(5:23 pm IST)