Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

મ્યુ. કોર્પોરેશન કચેરી ખાતે લાઠીચાર્જમાં ઘવાયેલા આગેવાનો, ટોળા સામે ફરજમાં રૂકાવટનો ગુનો

ડિમોલીશનમાં સમય આપવાની વિનંતી કરવા જતાં માર મરાયાનો આક્ષેપઃ એસઆરપીમેનની ફરિયાદ-આગેવાન નંદાભાઇએ મને લાફો માર્યો, પોલીસને ગાળો દીધીઃ ધક્કામુકીમાં હેડકોન્સ. જસવંતીબેનને ઇજા

રાજકોટ તા. ૧૫: ભગવતીપરામાં વર્ષોથી રહેતાં સેંકડો લોકોને ડિમોલીશનની નોટીસ મ્યુ. કોર્પોરેશન તંત્ર તરફથી અપાતાં બુધવારે સાંજે ભગવતીપરાના રહેવાસીઓ અને આ વોર્ડના આપના આગેવાનો, કાર્યકરો મ્યુ. કમિશનર ઓફિસે રજૂઆત કરવા અને થોડા દિવસનો સમય આપવાની વિનંતી કરવા જતાં વિજીલન્સ ઓફિસર અને તેના સ્ટાફે લાઠીચાર્જ કરી માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. બીજી તરફ આગેવાની લેનારા બે વ્યકિત સહિતના ટોળા વિરૂધ્ધ એસઆરપીમેનની ફરિયાદ પરથી ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

 વોર્ડ નં. ૪ના પ્રમુખ નંદાભાઇ ગોવિંદભાઇ ડાંગર તથા બીજા કાર્યકરો રાહુલ જયંતિભાઇ ભુવા, હમીદાબેન ઇશાકભાઇ, સારબાઇ હાસમભાઇ જુણાચ, જયદિપ હરિકૃષ્ણ નિમ્બાર્ક, રૂકસાના અશરફભાઇ, પિન્ટુ મનસુખભાઇ ઉધરેજીયા, દિપકભાઇ મકવાણા સહિતનાને લાઠીચાર્જમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. નંદાભાઇએ કહ્યું હતું કે અમે હાથ જોડીને રજૂઆત કરવા ગયા હતાં. છતાં અમને મ્યુ. કમિશનરશ્રી કે ડે. મ્યુ. કમિશનરશ્રી પાસે જવા દેવામાં આવ્યા નહોતાં અને સીધો જ લાઠીચાર્જ કરાયો હતો.

જો કે વિજીલન્સ ઓફિસરે ખુલાસો કર્યો હતો કે સ્ટાફના માણસો સાથે આ લોકોએ જીભાજોડી કરી કાંઠલો પકડી લેતાં બળપ્રયોગ કરવો પડ્યો હતો. તસ્વીરમાં હોસ્પિટલમાં દાખલ થયેલા ઇજાગ્રસ્તો દેખાય છે.

દરમિયાન આ બનાવમાં મ્યુ. કોર્પોરેશન કચેરી ખાતે ફરજ બજાવતાં એસઆરપી કર્મચારી કનુભાઇ વિક્રમભાઇ પપાણીયાએ નંદાભાઇ ડાંગર, રાહુલ ભુવા અને ટોળામાં રહેલા માણસો વિરૂધધ ફરજમાં રૂકાવટ, મારામારી અને ગાળાગાળી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

એસઆરપીમેન કનુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારી ફરજ પર હતો ત્યારે આરોપીઓ નંદાભાઇ, રાહુલ સહિતના ટોળાએ ગાળાો દેતાં અને મને ગાલ પર થપ્પડ મારી ઇજા કરતાં તેને અટકાવવા જતાં વધુ ગાળો દઇ મારી ફરજમાં રૂકાવટ કરી હતી અને ધક્કામુકી કરી મને તથા બીજા કર્મચારીઓને પછાડી દીધા હતાં. ચારથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં આ લોકોએ ટોળા સ્વરૂપે આવી પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાનો ભંગ પણ કર્યો હતો.

રજૂઆત કરવા આનારા આ લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી શાંતિ જાળવવા  તેમજ રસ્તો ખાલી કરવા કહેવા છતાં આ લોકો અંદર આવી ગયા હતાં અને નારાબાજી કરવા માંડ્યા હતા. તેમજ આરએમસી કમિશનરને નીચે બોલાવો, અહિ જ રજૂઆત કરવી છે તેમ કહી દેકારો કરતાં અમે તેને સાઇડમાં બેસવા વિનંતી કરી હતી. પરંતુ આગેવાની લેનાર નંદાભાઇ અને રાહુલે ઉશ્કેરાઇ જઇ પોલીસને ગાળો દેવાનું શરૂ કરતાં અને ઉગ્રતા ધારણ કરતાં ઉપરી અધિકારી શ્રી આર. બી. ઝાલા પણ આવી ગયા હતાં. તેમણે પણ આ લોકોને સમજાવ્યા હતાં. ત્યાં નંદાભાઇએ મને ગાલ પર લાફો મારી દીધો હતો અને રાહુલ તથા બીજા લોકોએ સ્ટાફના કૃષ્ણસિંહ, હનીફભાઇ, હેડકોન્સ. જસવંતીબેન સાથે ધક્કામુકી કરતાં જસવંતીબેન પડી ગયા હતાં. અંતે આ લોકોને બહાર કાઢવા હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો. એએસઆઇ આર. આર. સોલંકીએ ગુનો નોંધતા વધુ તપાસ પીએસઆઇ એસ. એચ. નિમાવત વધુ તપાસ કરી રહ્યા છે.

(12:09 pm IST)