Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

રસીકરણ કેમ્પના આયોજન દ્વારા સરકારના કાર્યમાં સહયોગી બનતું રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન

મે આજે રસીનો બીજો ડોઝ લીધો છે, મને પહેલા ડોઝમાં પણ કોઈ જ તકલીફ નહોતી થઈ અને બીજા ડોઝમાં પણ કોઈ જ તકલીફ થઈ નથી:ભરતભાઈ ઠુમર :સરકાર જ્યારે રસીકરણ પાછળ આટલો ખર્ચ કરે છે, ત્યારે લોકોએ પણ રસી લઈ સરકારની કોરોના સામેની લડાઈમાં સહકાર આપવો જોઈએ: હિતેશભાઈ મહેતા

રાજકોટ : ભારતવર્ષમાં કોરોના મહામારીની બીજી લહેરથી લોકો વધુ સંક્રમિત બની રહયાં છે. કોવીડના આ સંક્રમણથી બચાવા સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનીટાઈઝર કે સાબુથી વારંવાર હાથ સાફ રાખવા ખૂબ જ જરૂરી છે. આ સાવધાનીઓની સાથે કોરોનાથી બચવાનું એક અમોઘ શસ્ત્ર આપણને મળ્યું છે, અને તે છે રસીકરણ. અને તેથી જ રાજ્ય સરકારે ગુજરાતના પ્રત્યેક નાગરિકને કોરોના સામે રક્ષણ મળે તે માટે રસીકરણના કાર્યને ઝૂંબેશ સ્વરૂપે હાથ ધર્યું છે. સરકારના આ આરોગ્ય સેવાના કાર્યમાં વિવિધ સંસ્થા - સમાજોની સાથે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશને પણ જોડાઈને રસીકરણ કેમ્પના આોયજન દ્વારા વધુને વધુ લોકો રસીનો પ્રથમ - બીજો ડોઝ મૂકાવે તે માટેનું સ્તુત્ય કાર્ય કર્યું હતુ.
 રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના સભાખંડમાં યોજાયેલ આ રસીકરણ કેમ્પમાં રસીનો બીજો ડોઝ લેવા આવેલા ડાયાબીટીસ અને બી.પી.ની તકલીફ ધરાવતાં એસોસીએશનના સભ્ય એવા ભરતભાઈ ઠુંમરે જણાવ્યું હતુ કે, મે રસીના પ્રથમ ડોઝ બાદ આજે ૩૮ દિવસે આજે રસીનો બીજો ડોઝ લીધો છે. મને ડાયાબીટીસ અને બી.પી.ની તકલીફ છે. છતાં પણ મને પ્રથમ રસીકરણ વખતે પણ કોઈ જ પ્રકારની તકલીફ થઈ નહોતી અને આજે પણ બીજો ડોઝ લીધા પછી પણ કોઈ જ તકલીફ થઈ નથી. એટલે હું લોકોને અને ખાસ કરીને કોમોરબીડ હોય તેને અપીલ કરૂં છું છે, તેમણે વહેલામાં વહેલી તકે રસીનો પ્રથમ ડોઝ લેવો જ જોઈએ અને ત્યાર પછી બીજો ડોઝ પણ સમયસર લઈ લેવો જોઈએ.
 અન્ય દેશોમાં લોકોને રસીકરણ માટે પૈસા આપવા પડે છે, જ્યારે આપણને અહીંયા સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવી રહયું છે, ત્યારે લોકોએ પણ રસીકરણ માટે આગળ આવી રસી મૂકાવવી જોઈએ. કોરોનાની આ બીજી લહેર વધુ ભયજનક છે, તેની સામે પ્રતિકાર રૂપે પ્રત્યેક વ્યક્તિએ રસી લેવી જોઈએ. રસીના કારણે આપણને કોવીડ સામે રક્ષણ મળે છે, અને જો કદાચ આપણે કોરોના સંક્રમિત થઈએ તો પણ તેની બહું અસર આપણને થતી નથી.
 આ કેમ્પમાં ૫૪ વર્ષીય કેમીકલ એન્જીનીયર એવા હિતેષભાઇ મહેતા પણ રસીનો બીજો ડોઝ લેવા આવ્યા હતા. ડોઝ લીધા બાદ તેમણે કહયું હતુ કે, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા યોજાયેલ આ કેમ્પમાં અમને રસીકરણ માટે ખૂબ સારો સહકાર મળ્યો છે. મે તા. ૩ જી માર્ચે રસીનો પહેલો ડોઝ લીધો હતો. ત્યારે પણ મને કોઈ જ તકલીફ થઈ નહોતી અને આજે જ્યારે મે બીજો ડોઝ લીધો છે, ત્યારે પણ મને કોઈ જ તકલીફ થઈ નથી. મારી તમામ લોકોને વિનંતી છે કે, સરકાર આપણા સૌ માટે આટલું કરી રહી છે ત્યારે આપણે સૌએ પણ રસીકરણ કરાવી તેમના કાર્યમાં સહકાર આપવો જોઈએ.
 રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના એક્ઝીકયુટીવ સેક્રેટરી અભિષેક ગોંડલીયા કહે છે કે, રાજ્ય સરકાર, મુખ્યમંત્રી અને રાજકોટ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓની પ્રેરણાથી રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો આશય માત્ર એટલો જ છે, વધુને વધુ લોકો ભયમૂક્ત બની અહીં આવી રસીકરણ કરાવે. અમારી લોકોને અપીલ છે કે, અંધશ્રધ્ધાથી દૂર રહી રસીકરણ કરાવીને આપણા સમાજ - રાજ્ય રાષ્ટ્રને કોરોનાથી સુરક્ષીત બનાવીએ.
રસીકરણના આ અભિયાનમાં રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનની સહભાગીદારીતા હંમેશા રહેશે તેમ જણાવતા અભિષેક ગોંડલીયાએ કહયું હતુ કે, આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા ૨૫ વર્ષથી વધુ વય ધરાવતાં લોકો માટે રસીકરણની છૂટ આપવામાં આવશે તે સમયે પણ રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન આવા રસીકરણના કેમ્પના માધ્યમથી લોકોને રસીકરણ માટે પ્રેરીત કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા યોજાયેલ આ કેમ્પમાં બપોરના ૫-૦૦ કલાક સુધીમાં અંદાજે ૧૨૫ થી વધુ લોકોએ રસીકરણ કરાવ્યું હતુ.

(7:50 pm IST)