Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કૃષ્‍ણ જન્‍મોત્‍સવ એટલે હિન્‍દુત્‍વની એકતાનો અવસર

વિહિપના ઇનામ વિતરણ અને તાવા પ્રસંગે અપૂર્વમુની સ્‍વામી તથા નરેન્‍દ્રબાપુનું જોશીલુ પ્રવચન : ધર્મસભા અને ધર્મયાત્રામાં ઉમટી પડવા હાકલ : ધર્મના સિધ્‍ધાંતો સાથે ચાલવા અનુરોધ કરી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સમિતિના આયોજનને બિરદાવતા કથાકાર શાષાી બાલકૃષ્‍ણભાઇ રાજયગુરૂ

વિહિપ પ્રેરિક મહોત્‍સવ સમિતિ દ્વારા બીએપીએસ સ્‍વામીનારાયણ મંદિરે યોજાયેલ તાવા પ્રસાદ પ્રસંગે શ્રી અપૂર્વ મુનિ સ્‍વામી પ્રાસંગીક પ્રવચન કરી રહ્યા છે. બાજુમાં નરેન્‍દ્રબાપુ, જનકભાઇ કોટક, શાંતુભાઇ રૂપારેલીયા, પિયુષ શાહ વગેરે ઉપસ્‍થિત છે. બીજી અને ત્રીજી તસ્‍વીર હેમુ ગઢવી હોલ ખાતે ગઇકાલે રાત્રે યોજાયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમની છે.

રાજકોટ તા. ૧૬ : ગત દિવસોમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદ પ્રેરીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના ઉપક્રમે અનેકવિધ કાર્યક્રમોની હારમાળ શ્રૃખલામાં આ વર્ષના સુત્ર સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ સાથે તાવા પ્રસાદ બીએપીએસ હોલ ખાતે યોજાયેલ અનેક નવીનતમ પ્રકારના સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં જંગી મેદની સ્‍વયંભુ રીતે ઉમટી પડી હતી. સમાજના આગેવાનો, કાર્યકરો, બહેનો, બાળકો આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાં હતાં. સંતો, મહંતોના પ્રવચનો માર્ગદર્શન સાથે કૃષ્‍ણભકિત અને દેશભકિતના સંયોજનથી મનોરંજક કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાંતુભાઇ રૂપારેલિયાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું.

વિ.હિ.પ દ્વારા શનિવારના રોજ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્‍તે વિજેતાઓને શીલ્‍ડ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

ભગવત કથાકાર શાસ્‍ત્રી બાલકૃષ્‍ણ રાજયગુરૂ દ્વારા સર્વે ભકતોને પ્રેરક ઉદબોધન કરવામાં આવેલ અને ભગવાન શ્રીકૃષ્‍ણ વિશેની તથા ભગવત ગીતાના સંદેશ અંગેની વાતો કરેલ. વિશેષમાં તેમણે જણાવેલ કે, ધર્મના બધા સિઘ્‍ધાંતો સાંભળો અને એ સિઘ્‍ધાંતો ઉપર ચાલો જે વ્‍યવહાર આપણને સારો ન લાગે તે વ્‍યવહાર બીજા સાથે કરવો જોઈએ નહિ તેવું સુંદર માર્ગદર્શન આપેલ.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત આપા ગીગા ઓટલાના મહંત વર્ષ ર૦રર જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના ધર્માઘ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રબાપુ દ્વારા પોતાના પ્રવચનની શરૂઆતમાં પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજની પૂણ્‍યતિથી નિમિતે ર-મીનીટનું મૌન પાડી શ્રઘ્‍ધાંજલી અર્પણ કરી હતી. પોતાના છટાદાર વકતવ્‍યમાં પૂજય નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યું હતું કે, વિ.હિ.પ. સમગ્ર હિન્‍દુ સમાજને એક સાથે લાવવાનું કાર્ય કરે છે. એક હિન્‍દુ તરીકે આપણા સૌની ફરજ છે કે હિન્‍દુ સમાજ માટે આપણાથી બનતું કંઈપણ યોગદાન અવશ્‍ય આપીએ. સમાજ માટે કાંઈ કરવું હોય તો તન-મન-ધન જેવી અનુકુળતા એ મુજબ પ્રદાન કરવું જોઈએ. આજે જયારે રાષ્‍ટ્ર આઝાદીનું ૭પમું અમૃત મહોત્‍સવ ઉજવી રહયો છે ત્‍યારે આપણે સૌને રાષ્‍ટ્રવાદ સાથે જોડાવાનો પણ આ અનેરો અવસર છે. જો હિન્‍દુ સમાજ હવે જાગૃત નહિ થાય તો, એક નહિ થાય તો ઘણુ સહન કરવું પડશે. આજે ઉપસ્‍થિત દરેક વ્‍યકિત ફકત એટલો સંકલ્‍પ કરે કે હું વિ.હિ.પ. ના માઘ્‍યમથી પ૦ હિન્‍દુઓને સંગઠનમાં જોડીશ તો લાખોની સંખ્‍યામાં હિન્‍દુઓ એકજુટ થઈને જોડાશે. ભગવાન શ્રીકૃષ્‍ણનો જન્‍માષ્‍ટમી મહોત્‍સવ જયારે ઉજવાય રહયો છે ત્‍યારે જેમ મંદિરમાં જવા માટે આપણે કોઈ આમંત્રણની રાહ નથી જોતા એમ જગતના નાથના જન્‍મના વધામણા માટે કોઈ આમંત્રણ, આગ્રહ વિનંતીની જરૂર નથી. સ્‍વયંભૂ રીતે જ સૌએ જોડાયને આ મહોત્‍સવને ભવ્‍ય અને દિવ્‍ય બનાવવાનો છે. સાથે શ્રી નરેન્‍દ્રબાપુએ અપીલ કરી હતી કે તા. ૧૯ ના રોજ જન્‍માષ્‍ટમીના દિવસે સવારે ૭-૩૦ કલાકે મવડી ચોકડી ખાતે ધર્મસભામાં ત્‍યારબાદ શોભાયાત્રામાં સૌ લોકો જોડાય અને ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મને રંગે-ચંગે ઉજવણી કરે.

 બી.એ.પી.એસ. રાજકોટના પૂજય અપૂર્વમુનિ સ્‍વામીએ જણાવ્‍યું હતું કે, આપણા રાષ્‍ટ્રને હિન્‍દુત્‍વ પીરસનારા બહુ ઓછા છે માત્ર વિ.હિ.પ. આપણને એ પીરસી રહયું છે. જેની આજે સમાજને તથા રાષ્‍ટ્રને ખૂબ જરૂર છે. આપણે સૌ બે વર્ષ કે પાંચ વર્ષ સત્તા ભોગવનારા, ખુરશી પર બેસીને રાજ કરનારના સન્‍માનમાં જો રોડ શો, રેલી, કાર્યક્રમો અને બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેતા હોય તો ત્‍યારે આ તો આખા જગતનો નાથ છે તો એના માટે આપણે શું કરવું એ સૌએ પોતાને પુછવા જેવો પ્રશ્‍ન છે.

હાલનો સમય હથીયાર લઈને યુઘ્‍ધ કરવાનો સમય નથી પણ ટેકનોલોજીના માઘ્‍યમથી સંઘર્ષ કરવાનો સમય છે. ઘણા લોકો એવો પ્રશ્‍ન કરે છે કે દર વર્ષે જન્‍માષ્‍ટમી શુંકામ ઉજવીએ છીએ ? તો એમને મારો જવાબ છે કે, આપણે સૌ મનુષ્‍ય તરીકે સોએક વર્ષનું આયુષ્‍ય લઈને જીવીએ છીએ અને દર વર્ષે આપણો કે આપણા પરિવારજનનો સામાન્‍ય વ્‍યકિત તરીકે પણ જન્‍મદિવસ ઉજવીએ છીએ તો આતો સનાતન ધર્મના જનક એવા ભગવાન શ્રીકૃષ્‍ણનો જન્‍મદિવસ છે એની ઉજવણી તો થવી જ જોઈએ અને ભવ્‍ય રીતે થવી જોઈએ. આજના વર્તમાન સમયમાં કોઈપણ વ્‍યકિત વાણીસ્‍વાતંત્રના બહાના હેઠળ આપણા હિન્‍દુ દેવી-દેવતાઓ વિશે કાંઈપણ બોલી જાય છે, અપમાન કરે છે, ત્‍યારે સવાલ થાય છે કે કયાં છે હિન્‍દુ સમાજની અસ્‍મિતા ? આપણી સંસ્‍કૃતિ ખાઈ લેવાની નહિ પણ ખવડાવવાની સંસ્‍કૃતિ છે. આપણા તહેવારોની ઉજવણી એ માત્ર મનોરંજન માટે નથી પણ હિન્‍દુઓ માટે હિન્‍દુત્‍વનું અલાર્મ છે. હિન્‍દુ પર્વ, તહેવારો, ઉજવણી એ આપણને સૌને એકજુટ રાખવાના નિમિત છે. આપણે જયારે હિન્‍દુ તરીકે જન્‍મ લીધો છે ત્‍યારે સૌ હિન્‍દુ એક છે અને હિન્‍દુત્‍વ એ મારો પહેલો ધર્મ છે એવી ભાવના હોવી જોઈએ. 

આજે જયારે વિદેશીઓ પણ આપણા ધર્મ અને સંસ્‍કૃતિને સમજીને એ મુજબ જીવનકરણી કરી રહયાં છે, ગીતાનું સંપૂર્ણ જ્ઞાન મેળવી રહયાં છે ત્‍યારે આપણે ગીતા વિશે શું જાણીએ છીએ ? આપણને જ જયારે આપણા ધર્મ, સંસ્‍કૃતિ વિશે ગર્વ કે સમજ ન હોય તો બીજાની વાત શું કરવી. એક સમય હતો જયારે આપણા હિન્‍દુ રાષ્‍ટ્રનો ઘ્‍વજ ભગવો હતો. માટે હિન્‍દુત્‍વ માટે આપણે પોતે શું કર્યુ એ આત્‍મનમંથન કરવાની જરૂર છે. હિન્‍દુત્‍વનો પ્રચાર, પ્રસાર કરવા માટે બીજું તો કાંઈ નહિ પણ કમસે કમ આપણા સમયનું યોગદાન આપવાની જરૂર છે. ભગવાન કૃષ્‍ણ જેવો કોઈ અવતાર નથી અને ભગવદ્‌ ગીતા જેવો કોઈ ગ્રંથ આ દુનિયામાં નથી એ દિવા સમાન સત્‍ય છે.

આ તકે સુત્ર સ્‍પર્ધાના પ્રથમ, દ્વિતીય, તૃતિય અને પ્રોત્‍સાહક વિજેતાઓને શીલ્‍ડ વિતરણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ બાદ સૌએ સાથે તાવા પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ પ્રસંગે અનેકવિધ સામાજીક તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્‍થિત રહયાં હતાં.ગઇકાલના રોજ હેમુગઢવી હોલ ખાતે કૃષ્‍ણ ભકિત - દેશ ભકિત નામક એક નવીનતમ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. એક સાથે એક મંચ પર ૩૬ કલાકારોએ પોતાની કળા પીરસી હતી. નૃત્‍ય, ગીત, સંગીત, વકત્‍વયોના સુંદર સંયોજનથી બનેલો આ કાર્યક્રમ આર.ડી. ગ્રુપના પરેશભાઈ પોપટના માઘ્‍યમથી યોજવામાં આવ્‍યો હતો. જેમાં ગાયક કલાકાર તરીકે જયેશ દવે, અમી ગોસાઈ, હેમંત જોષી, તેજશ શીસાંગીયા તથા ડાન્‍સ ગ્રુપ શ્રી સાંઈ ગ્રુપ રાકેશ કડીયા દ્વારા સમગ્ર ભકિતમય તથા દેશભકિત માહોલ બનાવેલ હતો અને સમગ્ર ઓડીટોરીયમ દર્શકોથી ભરાઈ ગયું હતું. ઉપસ્‍થિત કાર્યક્રમ માણનાર તમામ લોકોએ કાર્યક્રમને ખૂબ વખાણ્‍યો હતો.

(3:24 pm IST)