Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

છેલ્લા ૧ મહિનામાં ડ્રેનેજની અધધ... ૧૩ હજાર ફરીયાદો !

ચોમાસામાં ડ્રેનેજની સમસ્‍યા યથાવતઃ શહેરીજનોએ મનપાના કોલ સેન્‍ટર, વોટસએપ, વેબસાઇટ પર ડ્રેનેજ, રોશની, પાણી સહિતની કુલ ર૬ હજાર સમસ્‍યાઓ નોંધાવી : શહેરમાં ગંદા પાણીની ૩૦ દિવસમાં રેલમછેલ

રાજકોટ,તા. ૧૯ : મ્‍યુનીસીપલ કોર્પોરેશન ના કોલ સેન્‍ટર વેબસાઇટ, મોબાઇલ એપ તેમજ વોટસએપના માધ્‍યમથી છેલ્લા ૧ મહિનામાં જુદી જુદી શાખાઓની ર૬ હજાર જેટલી ફરીયાદનો ઢગલો થયો છે. તેમાં કાયમીની જેમ ભૂર્ગભ ગટરો છલકાવવાની ડ્રેનેજ શાખાની ૧૩ હજાર ફરીયાદો ટોચ ઉપર છે તો રોશની અને સફાઇ વિભાગની ફરીયાદો પણ આ સમયેમાં ખુબ વધુ નોંધાઇ છે.
ગત સપ્તાહે મળેલ મનપાના જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૮ના કોર્પોરેટર અશ્વિન પાંભરે ફરીયાદ નોંધાવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોલ સેન્‍ટર વોટસએપ સહિતની દરેક સુવિધાઓ હેઠળ કઇ કઇ શાખા લગત ફરીયાદ નોંધાવવામાં આવે છે? તે દરેક સુવિધાઓમાં ફરીયાદ નોંધણી તથા ફરીયાદ નિકાલની પધ્‍ધતિ કઇ કઇ છે તે છેલ્લા ૧ માસમાં એટલે કે ૯ ઓગસ્‍ટ થી ૮ સપ્‍ટેમ્‍બર સુધીમાં કુલ કેટલા  શહેરીજનોએ સુવિધાનો લાભ લીધો ? સહિતના પ્રશ્નો  પુછ્‍યા હતા.
મનપા તંત્ર દ્વારા આ પ્રશ્નના  જવાબ આપતા જણાવ્‍યું હતું કે મનપાઓની સેવા અંગે કુલ ર૪×૭ કોલ સેન્‍ટર, મહાનગરપાલીકાની વેબસાઇટ, મોબાઇલએપ, તેમજ વોટસએપના માધ્‍યમ દ્વારા ૯ ઓગસ્‍ટથી ૮ સપ્‍ટેમ્‍બર સુધીમાં  જુદી જુદી ર૭ શાખાઓની ર૬૩૧૩ ફરીયાદો નોંધવામાં આવી છે. જેમાં ડ્રેનેજની ૧૩૧૧૪, રોશની-૩૯પ૦, સફાઇની ૩૦ર૦, પાણી ૧૮૦પ, બાંધકામની ૧૧૪ર, કન્‍ઝર્વસીની પ૯૦, ગાર્ડનની ર૩૦ તથા દબાણ હટાવની ર૦૬ ફરીયાદો નોંધાઇ છે.
નાગરિકોની ફરીયાદ નોંધાયા બાદ જે તે લગત શાખાના ફરીયાદના નિકાલ માટે જવાબદારી કર્મચારી-અધિકારીને નાગરિકોની ફરીયાદ નોંધાયાની જાણ મોબાઇલ એપ તેમજ એસએસએમ દ્વારા કરવામાં આવે છે સહિતની વિગતો તંત્ર દ્વારા સતાવાર આપવામાં આવી હતી.

 

(4:41 pm IST)