Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આ સ્માર્ટ સીટી છે? મોટા મવામાં નર્કાગાર સ્થિતીઃ લોકો ત્રાહીમામ

રાજકોટમાં સમાવેશ બાદ પણ જર્જરીત રસ્તા કાદવ-કીચડ અને ગંદકીનાં ગંજ દેશી : દારૂ વેચાણ સહીત, ગેરકાયદે કૃત્યો બેરોકટોક ચાલે છેઃ કમિશ્નર અને પદાધિકારીઓ અને નગરજનોનો ત્રાસ દુર કરાવે તેવી ઉગ્ર માંગ

રાજકોટઃ શહેરનાં નવા રાજકોટનાં અત્યંત વિકાસશીલ એવા કાલાવડ રોડ ઉપર આવેલ મોટા મવા ગામે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં આવી ગયુ છે પરંતુ સ્માર્ટ સીટીમાં હોવાનું ગૌરવ મોટા મવાનાં રહેવાસીઓ લઇ શકતા નથી, કેમ કે સ્માર્ટસીટીમાં હોવા છતાં મોટા મવાની સ્થિતી આજે પણ નર્કાગાર જેવી છે. મસ મોટા ખાડા અને જર્જરીત રસ્તાઓ તુટેલા પુલ તેમજ ગંદકીનાં ગંજ અને કાદવ કીચડનાં સામ્રાજય વચ્ચે માખી-મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળાનું જોખમ. આવી પીડાદાયક સ્થિતીમાં મોટા મવા વિસ્તારનાં રહેવાસીઓ જીવી રહ્યા છે.

હાલ ચોમાસાની ઋતુમાં અહીં જીવવું મુશ્કેલ બની જાય તેટલી હદે ખરાબ રસ્તા-કાદવ કીચડ અને ગંદકી ફેલાયા છે ત્યારે કહેવાતાં સ્માર્ટ સીટીનાં મ્યુ.કમિશ્નર અને પદાધિકારીઓ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી રહ્યા હોવાની પ્રતિતી લોકોને થઇ રહી છે. કેમ કે અહી રસ્તા, ગટર, લાઇટ સફાઇની કોઇ વ્યવસ્થા નથી કરાઇ ત્યારે આવી અસહ્ય સમસ્યાથી પીડાતા મોટા મવાનાં રહેવાસીઓ મ્યુ.કમિશ્નર અને પદાધિકારીઓ અહીં રસ્તા, ગંદકી, સફાઇ તેમજ આ વિસ્તારમાં ચાલતી દેશીદારૂ વેચાણની ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં મોટા મવાનાં સર્વે નં.૧૭૮માં નવા ૬૦ ફુટ રોડ વિસ્તારના એવરેસ્ટ પાર્ક પાછળના વિસ્તાર કે જયાંથી સ્માર્ટ સીટીની યોજનાઓ ચાલુ થાય છે તે વિસ્તારમાં જર્જરીત રસ્તાઓ, તુટેલો બેઠો પુલ, ગંદકીના ગંજ અને કાદવ કીચડનું સામ્રાજય નજરે પડે છે.

(3:56 pm IST)