Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

કાલે ગુજરાત ચેમ્બર દ્વારા ગાય આધારિત અર્થતંત્ર વિશે કાર્યક્રમઃ ડો.કથીરિયા વકતા

રાજકોટ,તા. ૨૨: ભારતની આઝાદીને ૭૫ વર્ષ પુરા થયા છે ત્યારે સમગ્ર દેશ વિવિધ સામાજિક, આર્થિક અને રાજકીય કાર્યક્રમો દ્વારા આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યું છે.

ઓર્ગેનિક ખેતી અને ગાય આધારિત ખેતી પ્રાચીનકાળથી ચાલી આવે છે અને તે શુદ્ઘ, સમૃદ્ઘ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. આજે ૭૫ વર્ષ પછી દુષિત પર્યાવરણનાં પરિણામો સહ્યા બાદ ફરી આ દિશામાં આગળ વધવું રહ્યું જે માટે જે તે બાબતની સાચી સમજ હોવી આવશ્યક છે. કાલે અમદાવાદમાં  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બીઝનેસ વુમન કમિટી દ્વારા 'કાઉ બેઝડ ગ્રીન ઈકોનોમી ઓફ ઇન્ડિયા' વિષય પર કાર્યક્રમ યોજાવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા માર્ગદર્શન આપશે. કાર્યક્રમનું આયોજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ હેમંત શાહ તેમજ અધ્યક્ષ કુસુમ કૌલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાલે ગુરુવારે સાંજે ૪ વાગ્યે અમદાવાદમાં  'ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી'નાં ઓડીટોરીયમમાં યોજવામાં આવશે.

ગૌ આધારિત અર્થવ્યવસ્થા દ્વારા પ્રધાનમંત્રીશ્રીના 'આત્મ નિર્ભર' ભારત અને 'મેઈક ઈન ઈન્ડિયા' આંદોલનને વેગ મળશે. ગાય આધારિત કૃષિ આવા અનેક ગૌ સેવાના વિવિધ આયામો જેમકે આખા ભારતમાં નિઃસહાય (રખડતી) ગાયો, પશુઓનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ સમસ્યાના સમાધાન માટે દેશના દરેક તાલુકામાં ગૌ અભ્યારણ્ય, ગૌઆશ્રય ધામ, ગૌશાળા જેવા નામોથી અને સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓનું સમન્વય કરી તેમજ સામાજીક, સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને પી.પી.પી. મોડલ, જનભાગીદારીનાં માધ્યમથી ગૌધામનું નિર્માણ સ્થાનીક સ્તરે જ કરવામાં આવે. જયાં સ્થાનીક મહિલાઓ, યુવાનો રોજગારી પ્રાપ્ત કરે. તેવી તક છે. ગૌમૂત્ર, ગોબરના વેંચાણ થકી આવક મેળવે અને સાથે આ ગૌશાળા પણ લાંબા ગાળે સ્વાવલંબી બને. તેવી  અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવશે.

(10:37 am IST)