Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

પૂજારા ટેલીકોમ ઉપર બીજા દિવસે આઈટી દરોડા ચાલુ

ગઈકાલે આઉટ ઓફ સીટી રહેલ યોગેશ પૂજારા આવી ગયેલ : ઈન્કમટેકસની તપાસમાં સહયોગ આપી રહ્યા છે

રાજકોટ, તા. ૨૨ : ગઈકાલે દેશભરમાં ઓપો મોબાઈલના ડિલર્સ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. ગુજરાતના ટોચના મોબાઈલ વિક્રેતા અને ઓપોના ડિલર રાજકોટના પૂજારા ટેલીકોમ ઉપર ઈન્કમટેકસ વિભાગની દિલ્હી શાખાએ દરોડા પાડ્યા છે. જે આખી રાત ચાલુ રહ્યા બાદ બીજે દિવસે પણ ચાલુ છે.

આવકવેરા વિભાગના દરોડામાં ગઈકાલે બહારગામ રહેલ પૂજારા ટેલીકોમના યોગેશભાઈ પૂજારા આજે રાજકોટ આવી ગયા છે અને આવકવેરા વિભાગના અધિકારીઓને સહકાર આપી રહ્યાનું જાણવા મળે છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ મોબાઈલનો સ્ટોક અને ખરીદ-વેચાણના ડેટા તેમજ અન્ય રોકાણો ઉપર તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગની તપાસ મોડી સાંજ સુધી ચાલનાર હોવાનું જાણવા મળે છે.

ચર્ચાતી વિગતો મુજબ આવકવેરા વિભાગના દરોડામાં રાજકીય મોટા આગેવાનોના નામ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

દરમિયાન સામાન્ય રીતે આવકવેરા વિભાગના દરોડામાં જે - તે શહેરના તેમજ ઈન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓ સામેલ હોય છે. પરંતુ અમદાવાદ, સુરતમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં ગુજરાત બહારના જ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

(11:44 am IST)