Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

બે પેઢીમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યોઃ સંજય ઉર્ફ શની અને રાહુલ ઉર્ફ ડોગીને પકડ્યા

બિગ બાઝાર પાસે ૯મીએ આદિત્ય કોર્પોરેશનમાં અને યુનિવર્સિટી રોડ પર ૧૫મીએ કે. સંતોકી એન્ડ સન્સમાં ચોરી થઇ હતી : સંજય ઉર્ફ શનીની અમદાવાદ, રાજકોટમાં ચોરીના ચાર અને દારૂના એક ગુનામાં સંડોવણીઃ ત્રણ મહિના પહેલા શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝમાં મોબાઇલની દૂકાનમાં ચોરી કરી'તીઃ ત્યારે પણ ક્રાઇમ બ્રાંચે પકડી થોરાળા પોલીસને સોંપ્યો'તો : એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, પી. બી. જેબલીયા, એમ. એમ. ઝાલા અને ટીમની કામગીરીઃ પ્રદિપસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા અને નિતેષ બારૈયાની બાતમી

રાજકોટ તા. ૨૨: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર પાસે રાધેક્રિષ્ના આર્કેડ નામના કોમ્પલેક્ષમાં આવેલી જાણીતી આદિત્ય કોર્પોરેશન ટ્રેડીંગ નામની પેઢીમાં ગત ૯મીએ વહેલી સવારે ચોર પગલા પાડી ગયા હતાં. શટર તોડી અંદર ઘુસી નવ જેટલા તાળા તોડી બધુ વેરવિખેર કરી નાંખ્યું હતું. તસ્કરોને ઓફિસમાંથી રોકડ, લેપટોપ અને બે મોબાઇલ ફોન મળી ૧.૭૦ લાખની મત્તા ચોરી ગયા હતાં. આ ઉપરાંત યુનિવર્સિટી રોડ પર કે. સંતોકી એન્ડ સન્સ માર્કેટીંગ નામની પેઢીમાં પણ ચોરી થઇ હતી. આ બંને ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી એક રીઢા તસ્કર સહિત બેને દબોચી લીધા છે.

મવડી સરદારનગરમાં રહેતાં મોૈલિકભાઇ કરસનભાઇ રાઠોડ (આહિર)એ આ બનાવમાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીનો ભેદ ડીસીબીના હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા અને નિતેષભાઇ બારૈયાની બાતમી પરથી ઉકેલાયો છે. પોલીસે એક રીઢા શખ્સ સંજય ઉર્ફ શની કમલાકર ગાયકવાડ (ઉ.૨૮-રહે. હાલ મેટોડા ગેઇટ નં. ૨ પાસે ડાયમંડ પાર્ક ગોૈતમ કોલોની સામે શૈલેષભાઇના મકાનમાં, મુળ સીટીએમ લાલ બંગલા સામે, વિકાસનગર ચાલી અમદાવાદ) તથા તેના મિત્ર રાહુલ ઉર્ફ ડોગી રાજેશભાઇ યાદવ (ઉ.૧૯-રહે. મેટોડા ગેઇટ નં. ૨ પાસે, મુળ ગોરખપુર ઉત્તરપ્રદેશ)ને પકડી લીધા છે.

આ બંને પાસેથી રોકડા રૂ. ૫૩ હજાર, ૬૦ હજારનું એપલનું લેપટોપ, ૨૫ હજારનું સોનીનું લેપટોપ, ૭ હજારનો એપલ મોબાઇલ, ૧ હજારનો વીવો મોબાઇલ, ૫ હજારનો અન્ય એક મોબાઇલ મળી રૂ. ૧,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.  ક્રાઇમ બ્રાંચે આ ચોરીમાં કોણ સામેલ હોઇ શકે? તે અંગે તપાસ શરૂ કરી હતી. દરમિયાન બાતમી પરથી શની ઉર્ફ સંજય અને સાગ્રીત રાહુલ ઉર્ફ ડોગીને પકડી લેવાયા હતાં. આ બંનેએ અન્ય એક ઓફિસ યુનિવર્સિટી રોડ પર શાંતિ નિકેતન સોસાયટીમાં આવેલી કે. સંતોકી નામની ઓફિસ અને કપડાના સ્ટોર રૂમમાં પણ તાળા તોડી લેપટોપની ચોરી કરી હતી અને ઓળખ છુપાવવા સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી લીધુ હતું.

આ બંને દિવસે બંધ ઓફિસ, દૂકાન, પેઢીની રેકી કરી લેતાં હતાં અને રાતે ચોરી કરવા પહોંચી જતાં હતાં. શની અગાઉ ત્રણ મહિના પહેલા પણ શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઘનશ્યામ મોબાઇલ નામની દૂકાનમાંથી ૨૦ મોબાઇલ ચોરી ગયો હતો. ત્યારે પણ ક્રાઇમ બ્રાંચે પકડ્યો હતો. તે અગાઉ અમદાવાદ, રાજકોટમાં ચોરીના ચાર ગુનામાં અને લોધીકામાં દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, પી. બી. જેબલીયા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ, સુભાષભાઇ ઘોઘારી, જીજ્ઞેશભાઇ, કિરતસિંહ, કોન્સ. સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ, ભાવેશભાઇ ગઢવી, મહેશભાઇ મંઢ, દેવાભાઇ ધરજીયા, મૈસુરભાઇ કુંભારવાડીયા, દિપકભાઇ ડાંગર સહિતે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા બંને બીજા કોઇ ગુનામાં સામેલ છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

(3:06 pm IST)