Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

કોરોના સારવાર ખર્ચનો રૂ. ૨.૫૦ લાખનો કલેઇમ વ્યાજ - ખર્ચ સાથે ચુકવવા વીમા કંપનીને હુકમ

રાજકોટ તા. ૨૨ : મેડીકલેઈમ પોલિસીધારકને કોરોના બીમારીનું વળતર ચુકવવાનો ઇનકાર કરી દેનાર ઈનસ્યોરન્સ કંપનીને વળતર તથા ખર્ચ પોલિસીધારકને ચુકવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ મોરબીના હેતાબેન શૈલેષભાઈ ભીમાણીએ ઈફકો ટોકીયો જનરલ ઈસ્યોરન્સ કુ.લી. પાસેથી મેડીકલેમ પોલિસી લીધી હતી. આ પોલિસી અમલમાં હતી તે દરમ્યાન હેતાબેનને કોરોના થવાથી તા.૨૪/૦૩/૨૦૨૧ થી તા.૨૭/૦૩/૨૦૨૧ સુધી કે.એન.વોરા જનરલ હોસ્પિટલ મોરબી ખાતે દાખલ કરવામાં આવેલ હતા. ડોકટરની સલાહ મુજબ સારવાર કરાવી હતી. પોલિસીની શરતો મુજબ કોરોનાનું નિદાન થવાથી વીમેદાર વીમાની સો ટકા રકમ મેળવવા હકદાર થતા હતા. આ વીમાની રકમ રૂ. ૨.૫૦ લાખ મેળવવા હેતાબેને વીમા કંપનીમાં કલેઈમ મુકેલ હતો, જે વીમા કંપનીએ નામંજુર કરતા જણાવેલ હતું કે હેતાબેનને કોરોનાના હળવા લક્ષણો હોય હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરીયાત ન હોવાથી  કલેમ નામંજુર કર્યો હતો. વીમા કંપનીએ એક તરફી અને મનસ્વી રીતે કલેઇમની રકમ રૂપિયા ૨.૫૦ લાખ ન ચુકવી ગ્રાહકને આપવાની સેવામાં ખામી રાખેલ હોય. હેતાબેને વીમા કંપની વિરૂધ્ધ રાજકોટના ગ્રાહક તકરાર ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. સદરહું ફરિયાદ ચાલતા ફરિયાદીના એડવોકેટ દ્વારા કાયદાના મુદાઓ તથા રજુ થયેલ પોલિસી ઉપર ફોરમનું ધ્યાન દોરેલ અને એવી રજુઆત કરવામાં આવેલ કે કોવીડ-૧૯ નું નિદાન અને સારવાર અન્વયે કઈ દવા, કેટલી દવા, કેટલા કલાકની સારવાર, કેટલા દિવસનું હોમ કવોરોન્ટાઈન કે કેટલા દિવસનું હોસ્પિટલાઈઝેશન જરૂરી છે તે સારવાર આપનાર સક્ષમ તબીબ જ નક્કી કરી શકે તેમજ ઉપરોકત તમામ રજુઆતો તથા મૌખિક તથા દસ્તાવેજી પુરાવો ધ્યાને લઇ ગ્રાહક સુરક્ષા ફોરમના પ્રમુખ  વાય.ડી.ત્રિવેદીએ પોતાના વિસ્તૃત ચુકાદામાં કાયદાકિય તથા હકિકતના મુદ્દા ઉપર ગંભીરતા પુર્વક છણાવટ કરી ફરિયાદીની ફરિયાદ મંજુર કરી વીમા કંપનીએ ફરિયાદી હેતાબેનને વીમાની રકમ રૂપિયા ૨.૫૦ લાખ તા.૧૬/ ૦૭/ ૨૦૨૧થી ૬% વ્યાજ સાથે ચુકવવા તથા ફરિયાદ ખર્ચની રકમ રૂ. ૧૦,૦૦૦ તથા માનસિક ત્રાસ પેટે રૂ. ૭,૫૦૦ એક માસમાં ચુકવી આપવા તેવો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરિયાદી તરફે રાજકોટના વકીલો વી.એમ.જોશી. અને શૈલેષ એમ.ભટ્ટ રોકાયા હતા.

(3:07 pm IST)