Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર હુમલા કરનારને સબક શીખવો

'આપ' દ્વારા રાજ્યપાલને આવેદન અપાયું

રાજકોટ,તા.૨૨: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા, આપ નેતા ઇસુદાનભાઇ ગઢવી, પ્રવિણભાઇ રામ તેમજ મહિલા પ્રમુખ ગૌરીબેન સાથે અન્ય કાર્યકરો હાજર રહી ગુજરાત દ્વારા હેડ કલાર્કની ભરતી સંદર્ભે પેપર ફુટ્યા કૌભાંડમાં યોગ્ય દિશામાં તપાસ થતી ન હોવાથી તેમજ મુખ્ય આરોપીઓ છૂટી જતા તે બાબતની રજુઆત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રીને પાર્ટીની ઓફીસે રજુઆત કરવા ગયા હતા. સમય ન આપતા શાંતિપૂર્વક રીતે ધરણા કરતા હતા. તે જ સમયે ભાજપના કાર્યકરોએ હથીયારો સાથે પોલીસની મદદથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર લાઠી ચાર્જ કરી પ્રાણ ઘાતક હુમલો કરેલ હોય. આ બાબતે ભાજપ કાર્યકરો તથા પોલીસ અધિકારીઓ ઉપર તાત્કાલીક ધોરણે ગુન્હો દાખલ કરી ધરપકડ કરવા આમ આદમી પાર્ટી દ્વારા રાજયપાલશ્રીને આવેદન આપવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી રાજકોટ શહેર મહામંત્રી કે.કે.પરમાર, યુવા પ્રમુખ રવિભાઇ માણેક, યુવા ઉપપ્રમુખ અહેમદ સાંધ, યુવા મંત્રી તોફીક ખાખુ, લીગલ સેલ પ્રમુખ, દુર્ગેશભાઇ ધનકાણી, મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી, મહિલા ઉપપ્રમુખ ખેરૂનબેન ભુવડ, મહિલા સંગઠન મહામંત્રી તનુજાબેન દોશી, મહિલા મહામંત્રી હર્ષાબેન શેઠ, તથા નંદિનીબેન વગેરે સાથે જોડાયા હતા. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવેલ છે.

(4:05 pm IST)