Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કોંગ્રેસનો મુરતીયા પસંદગી મેળો : દાવેદારોને વન ટુ વન મળતા આગેવાનો

રાજકોટ શહેર - જિલ્લાની ૮ બેઠકો માટે

રાજકોટ જિલ્લાની રાજકોટ ગ્રામ્‍ય, વિંછીયા - જસદણ, ગોંડલ, જેતપુર - કંડોરણા અને ઉપલેટા - ધોરાજીની આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા આજે નાગર બોર્ડીંગ ખાતે સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશમાંથી નારણભાઇ રાઠવા અને રામકિશનભાઇ ઓઝાએ કુલ ૬૩ દાવેદારોને સાંભળ્‍યા હતા. ઉપરોકત તસ્‍વીરોમાં નિરીક્ષકો નારણભાઇ રાઠવા, રામકિશનભાઇ ઓઝા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઇ ખાટરિયા, શહેર પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી, અશોકભાઇ ડાંગર, જશવંતસિ઼હ ભટ્ટી, ડી.પી.મકવાણા, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયા, મહેશ રાજપૂત, કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી, અતુલ રાજાણી, રણજીત મુંધવા, ગોપાલ અનડકટ સહિતના આગેવાનો દર્શાય છે. નીચેની તસ્‍વીરોમાં પોતાની વિધાનસભા બેઠકના ક્રમની રાહ જોઇ રહેલ દાવેદારો તથા સમગ્ર સેન્‍સ પ્રક્રિયાની વ્‍યવસ્‍થા કરી રહેલ આગેવાનો - કાર્યકરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩ : દિવાળીના તહેવારોની બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્‍યતા છે, ત્‍યારે રાજકીય પક્ષો મુરતીયા પસંદગી માટેની કવાયત, બુથ લેવલનું પ્‍લાનીંગ સહિતની અલગ-અલગ વ્‍યવસ્‍થાની ગોઠવણમાં લાગ્‍યા છે. એક બેઠક માટે એકથી વધુ દાવેદારોની શક્‍યતાઓ લગભગ રાજ્‍યની તમામ બેઠકો ઉપર જોવા મળી રહી છે.

દરમિયાન આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેર - જિલ્લાની ૮ બેઠકો માટે શહેરની નાગર બોર્ડીંગ ખાતે સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બપોરે ૧ વાગ્‍યા સુધીમાં ઉપલેટા અને જેતપુરની બેઠકો માટે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી નારણભાઇ રાઠવા તથા સૌરાષ્‍ટ્રના પ્રભારી રામકિશનભાઇ ઓઝાએ દાવેદારોને સાંભળ્‍યા હતા. કોંગ્રેસ દ્વારા અગાઉથી જ તાકિદ કરવામાં આવતા દાવેદારોમાં ટોળાશાહી જોવા મળી ન હતી.

સમગ્ર સેન્‍સ પ્રક્રિયામાં ધોરાજીથી હાલના કોંગ્રેસના રનીંગ ધારાસભ્‍ય લલીતભાઇ વસોયા બપોર સુધી નાગર બોર્ડીંગે ન પહોંચતા વિવિધ ચર્ચાઓએ ભારે જોર પકડયું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની ક્‍વાયત તેજ થઇ છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પોતપોતાની રીતે જોર લગાવી રહ્યાં છે. ત્‍યારે રાજકોટ જિલ્લાની ૮ બેઠકો માટે આજે સેન્‍સ પ્રક્રિયા યોજાઇ છે. જે માટે નાગર બોર્ડિંગ ખાતે પ્રદેશ નેતાઓ ઉપસ્‍થિત રહી જિલ્લા અને તાલુકાના આગેવાનો સાથે તેઓ બેઠક કરેલ.

રાજકોટ શહેરની ત્રણ બેઠક ઉપરાંત રાજકોટ ગ્રામ્‍ય અને જસદણ, ગોંડલ, ધોરાજી તથા જેતપુર બેઠક માટે ૬૩ આગેવાનોએ ફોર્મ ભરીને ટિકિટની દાવેદારી કરી છે. આ તમામ દાવેદારોને આગેવાનોએ સાંભળ્‍યા હતા. અને તેમની દાવેદારી ક્‍યા દ્રષ્ટિકોણથી યોગ્‍ય છે, કેવી રીતે તે બેઠક જીતી શકાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરેલ.

મહત્‍વનું છે કે, દાવેદારોને ટોળાં સ્‍વરૂપે નહીં પરંતુ તેમને એકલા આવીને જ પોતાની વાત રજૂ કરવા અગાઉ તાકીદ કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્‍યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી દીધી છે. ત્‍યારે હવે કોંગ્રેસે પણ ચૂંટણી લડવા ઇચ્‍છુક ઉમેદવારો પાસેથી નામ મંગાવ્‍યા બાદ કોંગ્રેસ હરકતમાં આવી ગઇ છે. ત્‍યારે આજે શુક્રવારે રાજકોટ શહેર જિલ્લાની ૮ બેઠકો માટે દાવેદારોને પાર્ટી નિયુક્‍ત આગેવાનો દ્વારા સાંભળવામાં આવ્‍યા હતા.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, ‘રાજ્‍યની ૧૮૨ બેઠક માટે રાજયભરમાંથી ૯૦૦થી વધુ નેતા આગેવાનોએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ હાઇકમાન્‍ડે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. રાજકોટ શહેર જિલ્લાની ૮ બેઠકો માટે આજે તા. ૨૩ના રોજ સવારના ૧૦થી ૧૨ દરમિયાન નાગર બોર્ડિંગ ખાતે દાવેદારોને સાંભળવા માટે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી નારણભાઇ રાઠવા અને સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેર- જિલ્લાની બેઠકો માટે અગાઉથી જ દાવેદારોના નામો મંગાવવામાં આવ્‍યા હતા. જેમાં જિલ્લાની બેઠક વાઇઝ ચૂંટણી લડવા થનગનતા દાવેદારોના નામો નીચે મુજબ છે.

રાજકોટ પૂર્વ ૬૮

અશોકભાઇ ડાંગર, દિપ્‍તીબેન સોલંકી, દિનેશભાઇ મકવાણા, ઇબ્રાહિમ સોરા, રાજેશ ગીલાણી, ભરતભાઇ બાલોદ્રા, નયનાબેન ભાલોદ્રા, વલ્લભભાઇ પરસાણા, ભાનુબેન સોરાણી, પ્રવિણભાઇ સોરાણી, મકબૂલ દાઉદાણી, ઠાકરશીભાઇ ગજેરા, અલ્‍પેશ ટોપીયા અને જીતેન્‍દ્ર રૈયાણી

રાજકોટ પમિ ૬૯

ઘરસંડીયા ગીરીશભાઇ, તુલતભાઇ પાનેરી, ગોપાલ અનડકટ, ડો. જીજ્ઞેશ જોશી, રજતભાઇ સંઘવી અને ભાર્ગવીબા ગોહિલ

રાજકોટ દક્ષિણ ૭૦

હિતેશ વોરા, મનિષાબેન બુટાણી, અંકિત બુટાણી, ગોપાલ અનડકટ, ડો. હેમાંગ વસાવડા, અમરદાસ દેસાણી, કેતન તાળા અને ભાર્ગવ પઢીયારનો સમાવેશ થાય છે.

રાજકોટ ગ્રામ્‍ય  ૭૧

સુરેશભાઈ બથવાર, હિંમતભાઈ જે. માયાત્રા, અશોકભાઈ વાળા, રવજીભાઈ ચનાભાઈ ખીમસુરીયા,     શાંતાબેન મકવાણા, પ્રવિણભાઈ તેજાભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ જી. વઘેરા, હર્ષદભાઈ રઘુભાઈ મકવાણા, મકવાણા બિજલભાઈ પામાભાઈ, મકવાણા શાંતાબેન પામાભાઈ, નરેશભાઈ સાગઠીયા, નરેન્‍દ્રભાઈ ભાનુભાઈ સોલંકી, હિરાભાઈ સાગઠીયા, હેમલભાઈ દાફડા, મગનભાઈ રાઠોડ

૭૨- વિંછીયા-જસદણ વિધાનસભા બેઠક

ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલ, અવસરભાઈ કાનજીભાઈ નાકીયા, વિનુભાઈ જે. ધડુક, રણજીતભાઈ બી. ગોહિલ, વિનુભાઈ મેણીયા, પ્રવિણભાઈ વી. ગાબુ, વિપુલભાઈ હનુભાઈ બાવળીયા, ધીરજભાઈ મુળજીભાઈ શીંગાળા, અરવિંદભાઈ ગોરધનભાઈ તલસાણીયા, મનસુખભાઈ નારણભાઈ સાકરીયા, ડો. મનસુખભાઈ રવજીભાઈ ઝાપડીયા, સુરેશભાઈ દાદભાઈ ગીડા, અમરશીભાઈ નાનજીભાઈ ચૌહાણ, ધીરૂભાઈ ખોખરીયા (આટકોટવાળા), ધીરૂભાઈ મોહનભાઈ છાયાણી

૭૩- ગોંડલ વિધાનસભા બેઠક

લલીતકુમાર મગનભાઈ પટોડીયા, આશિષકુમાર રસીકલાલ કુંજડીયા, યતીશભાઈ દેસાઈ, કિશોરભાઈ વિરડીયા, દિપકભાઈ પોપટભાઈ પટેલ, નિમેષભાઈ રૈયાણી, સંદિપભાઈ હિરપરા, બાપાલાલસિંહ ચુડાસમા, ધર્મેશભાઈ બુટાણીયા

૭૪- જેતપુર-કંડોરણા વિધાનસભા બેઠક

કિરીટભાઈ પાનેલીયા, દિપકકુમાર કેશવલાલ વેકરીયા, દેવેન્‍દ્રભાઈ બટુકભાઈ વઘાસીયા, દિપકભાઈ પોપટભાઈ પટેલ, અનિકેત કૈલાશભાઈ બાવીસા, ભાવેશભાઈ હિરપરા, નરેન્‍દ્રભાઈ મેપાભાઈ પટેલ, ચેતનભાઈ બટુકભાઈ ગઢીયા, ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરીયા, શારદાબેન હમીરભાઈ વેગડા

૭૫- ઉપલેટા-ધોરાજી

વિધાનસભા બેઠક

દેવેન્‍દ્રભાઈ જી. ધામી, લાખાભાઈ પી. ડાંગર, ભાવનાબેન ભૂત, પ્રવિણભાઈ પી. દલસાણીયા, જેઠાભાઈ આહીર, વલ્લભભાઈ એ. બલવા, નારણભાઈ નાથાભાઈ સેલાણા, ભગવાનજીભાઈ બાવનજીભાઈ બાબરીયા, ડો. ઉર્વશીબેન એસ. પટેલનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લાની બેઠકો માટે સેન્‍સ લેનાર આગેવાનો દ્વારા ઉપરોકત તમામ નામોમાંથી બેઠક વાઇઝ ૩-૩ અથવા ૫-૫ નામોની પેનલ બનાવીને સ્‍ક્રીનીંગ કમિટિ સમક્ષ મુકવામાં આવશે.

(3:22 pm IST)