Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વાયોલિનવાદનમાં ગાયકી અંગની સુંદર તાનો પ્રસ્તુત કરી શ્રોતાઓને રસતરબોળ કરી દેતા સારદા પ્રસન દાસ

રાજકોટ તા. ૨૯ : સંગીતિ ૨૦૨૧ કલાસિકલ મ્યુઝિક વર્ચ્યૂઅલ કોન્સર્ટ સીરિઝના પાંચમા વર્ષે યોજાયેલ વર્ચ્યુઅલ કોન્સર્ટનાં ચોથા પ્રિમિયર શોમાં દક્ષિણ ભારતના કલાકાર શ્રી સારદા પ્રસન દાસના વાયોલિન વાદને કલારસીકોની વાહવાહી મેળવી હતી.

નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજીક કાર્યો કરવામાં આવે છે, જેમાં સપ્ત સંગીતિના માધ્યમથી દેશના પ્રતિભાશાળી યુવા કલાકારોને મંચ પુરુ પાડવા માટે અને શાસ્ત્રીય સંગીતના કલાપ્રેમીઓની તૃષ્ણા સંતોષવા, ઘરબેઠા શાસ્ત્રીય ગાયન અને વાદન સોશિયલ મિડીયાના માધ્યમથી માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

તાજેતરમાં તા. ૨૫ જુલાઈના  યોજાયેલ પ્રિમિયર શોમાં ભુવનેશ્વરના વાયોલિનવાદક કલાકાર શ્રી સારદાજી એ સભાના પ્રથમ ચરણમાં રાગ શુધ્ધ સારંગ રજુ કર્યો હતો. જેમાં આલાપ અને વિલંબીત એકતાલમાં ગત રજુ કરી હતી. ત્યારબાદ ધ્રુત એકતાલમાં બંદીશ રજુ કરી હતી. તેમના વાયોલિનવાદનમાં ગાયકી અંગની સુંદર તાનો  પ્રસ્તુત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સભાની બીજી પેશકશમાં શ્રી સારદાજી એ સારંગ શ્રેણીનો રાગ બ્રિન્દાવની રજૂ કર્યો હતો. જેમાં આલાપ અને ધ્રુત લયમાં તાલ તિનતાલમાં ગત રજૂ કરી હતી. કાર્યક્રમના અંત ભાગમાં સંત તુલસીદાસ રચીત ખુબ પ્રચલિત 'ઠુમક ચલત રામચંદ્ર' ભજન દ્વારા સભાનું સમાપન કર્યુ હતું.

તેમની સાથે શ્રી દુષ્યંત રૂપોલિયાએ બખુબી તબલા સંગત કરી હતી અને તબલા વાયોલીનની જુગલબંદીથી શ્રોતાઓને મંત્રમુગ્દ્ય કરી દીધા હતા.

આ વર્ચ્યૂઅલ કોન્સર્ટ સીરિઝ હજુ આગામી પાંચ મહિનાઓ સુધી ચાલશે, જેમાં દર મહિને દેશના ખ્યાતિપ્રાપ્ત બે કલાકારોના ગાયન-વાદનના કાર્યક્રમોના પ્રિમિયર શો પ્રસ્તુત કરવામાં આવશે.

આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હવે કાર્યક્રમનું સ્વરુપ વર્ચ્યૂઅલ હોવાથી દેશ અને દુનિયાના કલાપ્રેમી લોકો આ કાર્યક્રમોને મનભરીને ઓનલાઇન માધ્યમોથી માણી રહ્યા છે. 

(2:50 pm IST)