Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ખંડણીખોરે ઘરમાં ઘુસી વૃધ્ધના હાથ-પગ ભાંગી કાયદાનું ચિરહરણ કર્યુઃ ફાળદંગના ભયભીત ગ્રામજનોની રજૂઆત

પોલીસ કમિશનર અને કલેકટરને આવેદન પાઠવાયું: ટોળકી સામે કડક પગલાની માંગણી

રાજકોટ તા. ૨૮: ફાળદંગ ગામમાં રહેતાં ખેડૂત વૃધ્ધનું અગાઉ અપહરણ કરી ખંડણી વસુલનારા શખ્સે જામીન પર છુટ્યા પછી ટોળકી રચી આ વૃધ્ધના ઘરમાં ઘુસી તેમના પર ધોકા-પાઇપના ઘા કરી બંને હાથ અને બંને પગ ભાંગી નાંખી તેમના પત્નિ ઉપર પણ હુમલો કરી આતંક મચાવી કાયદાનું ચિરહરણ કરી નાંખ્યું છે. આવી ગુંડાગીરી સામે પોલીસ આકરી બની કાયદાનું ભાન કરાવે તે મતલબની રજૂઆત ફાળદંગના રહેવાસીઓએ પોલીસ કમિશનર અને કલેકટરને કરી છે.

રજૂઆતમાં ગામલોકોએ જણાવ્યું છે કે બિહારને પણ સારું કહેવડાવે તે પ્રકારે જાણે કાયદા કાનૂનનું અસ્તિત્વ જ ન હોય તેમ ગામના વૃધ્ધનું ખંડણી વસુલવા માટે અપહરણ કરાય છે, ખંડણી વસુલાય છે. એ પછી એમના ઘરમાં ઘુસી જઇ ધોકા-પાઇપ ફટકારી હાથપગ ભાંગી નખાય છે. આવી ઘટનાએ ગામમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. ટોળકી ખુલ્લેઆમ ગોરખધંધા કરે છે. જગ્યાઓ પતાવી પાડી ખરાબાઓ દબાવી ફાર્મ હાઉસ ઉભા કરી લીધા છે. ત્યાં સંબંધીત પોલીસ પણ આવતી જતી રહે છે. તેવા આક્ષેપો રજૂઆતમાં ગામલોકોએ કર્યા છે.

ફાળદંગના શિવકુ વાળા સહિતના નામો આ અરજીમાં અપાયા છે. તેમજ પોલીસ જો હવે આવી ગુંડાગીરી સામે આકરી નહિ બને તો ગામલોકોને હીજરત કરવી પડે તેવો ભય છે. તેમ રજૂઆતના અંતે જણાવાયું છે. 

(3:30 pm IST)