Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રાજકોટ ગ્રામ્‍ય મતક્ષેત્રમાં રજવાડી થીમ ધરાવતા સાત સખી બૂથ

મહિલાઓ સંચાલિત સાત મતદાન મથકના દ્વાર બનશે મતદારોના આકર્ષણનું કેન્‍દ્ર : વિવિધ રચનાત્‍મક થીમ

રાજકોટ, તા. ૨૯ : રાજયમાં યોજાનાર વિધાનસભા સામાન્‍ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્‍વ હેઠળ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્‍યારે ૭૧-રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા વિસ્‍તારમાં તૈયાર થનાર સાત સખી બૂથ મહિલા સશક્‍તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત બની રહેશે.

રાજકોટના ગ્રામ્‍ય વિધાનસભા મતવિસ્‍તારોમાં સાત સખી બૂથની રચના કરવામાં આવનાર છે. જેની ખાસિયત એ છે કે સખી બૂથોનું સંચાલન મહિલાઓ કરશે. એટલું જ નહીં, મતદારોને આકર્ષવા માટે સખી બૂથોના દ્વાર રજવાડી થીમ સાથે બનાવવામાં આવશે. એટલે કે સખી બૂથોના દરવાજા જામટાવર તથા બેડી નાકા ટાવરના સચિત્ર પોસ્‍ટર સાથે બનાવવામાં આવશે. આ પ્રતિકૃતિમાં ‘અવસર લોકશાહીનો' લોગો તથા મતદારોનું અભિવાદન કરવા અને તેમને પ્રેરિત કરવા મહિલાઓનું ચિત્ર હશે.  

૭૧-રાજકોટ ગ્રામ્‍ય બેઠકના ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંક એ જણાવ્‍યું છે કે રાજકોટના નાનામવા ગામમાં એક, મવડી ગામમાં ત્રણ અને કોઠારીયા ગામમાં ત્રણ એમ રજવાડી થીમ ધરાવતા સાત સખી બૂથ બનાવવામાં આવશે. તેમજ દરેક બૂથમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલીસ અધિકારી સહિતનો તમામ સ્‍ટાફ મહિલાઓનો હશે અને મતદાનના દિવસે તમામ કામગીરી મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. આ સાથે ડિસ્‍પેચિંગ-રિસીવિંગ સેન્‍ટરની સમગ્ર કામગીરી દરમિયાન પણ મહિલાઓને અગ્રતા આપવામાં આવશે. જે માટે ૩૫ મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આમ, રાજકોટ જિલ્લામાં મહત્તમ મતદાન થાય, તે હેતુસર વિવિધ રચનાત્‍મક થીમ સાથે મતદારોને મતદાનની પ્રેરણા આપવા તેમજ ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગ્રામ્‍ય વિધાનસભા મતક્ષેત્રમાં રજવાડી થીમ ધરાવતા સાત સખી બૂથની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.

(11:48 am IST)