Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

૨૧૦૦૦ કરોડનું ડ્રગ્સ આવ્યું અને મુન્દ્રા પોર્ટને ખબર ન પડી ? ભુજની નાર્કોટિકસ ડીઆરઆઇને તપાસ માટે કહ્યું

સામાનની તપાસ કરતી સ્કેનિંગ પ્રોસેસ કેવી છે ? ચેન્નાઇની પાર્ટીએ ત્યાંના પોર્ટને બદલે છેક મુન્દ્રા શા માટે માલ મંગાવ્યો ? કોર્ટના વેધક સવાલો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : દેશભરમાં ચકચાર સર્જનાર મુન્દ્રા ૨૧૦૦૦ કરોડના વિક્રમ જનક ડ્રગ્સ કેસમાં એક બાજુ અદાણી પોર્ટ દ્વારા ખુલાસો કરાયો છે કે, પોર્ટ ઉપર આવતા કન્ટેનર કાર્ગો અંગે પોર્ટ માત્ર ઓપરેટરની જ ભૂમિકા ભજવે છે, પોર્ટની કોઈ જવાબદારી નથી. ચેકીંગ પ્રક્રિયા કસ્ટમ અને ડીઆરઆઈને કરવાની હોય છે. તે વચ્ચે બીજી બાજુ ભુજની નાર્કોટિકસ કોર્ટ દ્વારા અદાણી પોર્ટની ભૂમિકા સામે સવાલો ઉઠાવાયા છે.

આ અંગે રાષ્ટ્રીય મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર ભુજની એનડીપીએસ કોર્ટે કહ્યું કે, આટલો મોટો ડ્રગ્સ નો જથ્થો આવી જાય અને પોર્ટ કેવી રીતે અંધારામાં રહે? વિજયવાડાની કંપનીને ચેન્નાઈ જેવા અન્ય પોર્ટ બાજુમાં પડે છે તેમ છતાંયે છેક મુન્દ્રા સુધીના દૂર આવેલા પોર્ટ ઉપર શા માટે માલ મંગાવ્યો?

મુન્દ્રા પોર્ટની ભૂમિકા સામે સવાલ ઉઠાવી કોર્ટે આ પ્રકારના કાર્ગો દ્વારા કોઈ વિશેષ ફાયદો નથી રળતું ને? એ અંગે તપાસ કરવા કહ્યું ઉપરાંત જે કન્ટેનર કાર્ગો આવે છે તેના તપાસ માટે પોર્ટ ઉપર સ્કેનીંગ પ્રોસેસ કેવી છે? એ અંગે પણ તપાસ કરવા કહ્યું છે.

(11:09 am IST)