Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબી સિવિલમાં રસી લેવા લોકોના ટોળા ઉમટ્યા, ડોઝ ઓછા અને નાગરિકો વધારે! સિવિલમાં રસીની રામાયણ.

વહેલો વારો લેવાની બબાલમાં મહિલાનું બીપી ઘટી ગયું.

મોરબી  કોરોના મહામારી સમયે હોસ્પિટલમાં બેડ મળવાની માથાકૂટની જેમ જ હવે કોરોના રસીના ડોઝ મેળવવામાં બબાલ શરૂ થઈ છે. આજે મોરબી સિવિલમાં ડોઝની તુલનાએ રસી લેવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડતા વારો લેવાની ઉતાવળમાં એક મહિલાનું બીપી લો થઈ જતા સારવારમાં ખસેડવા પડ્યા હતા.
મોરબી જિલ્લામાં ૭૦ સ્થળોએ વેકસીનેશનની શરૂઆત થયા બાદ ધીમે-ધીમે વેકસીનેશન સેન્ટર અડધા થઈ ગયા છે. જેમા આજે જાહેર કરાયેલા ૩૫ સેન્ટર પૈકી સિવિલ હોસ્પિટલ ખાતેના સેન્ટરમાં દરરોજની જેમ મોટી સંખ્યામાં નાગરિકો રસી મુકાવવા માટે આવી પહોંચ્યા હતા. સામે પક્ષે આજે ૨૦૦ ડોઝ જ ફાળવવામાં આવ્યા હોય વારો આવવા ન આવવા મામલે હોબાળો મચ્યો હતો.
વધુમાં સિવિલ હોસ્પિટલમાં અગાઉ રજીસ્ટ્રેશન કરીને આવતા લોકો તેમજ સ્પોટ રજીસ્ટ્રેશન અને ૪૫ પ્લસ ઉમરવાળા લોકોને પણ એકજ સ્થળે રસીકરણ થતું હોય પહેલા વારો લેવાના નામે ચકમક ઝરતી રહે છે. તેવામાં આજે એક મહિલાનું બીપી પણ લો થઈ જતા સારવાર આપવી પડી હતી. દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેડેન્ટ ડો. સરડવાએ પણ રસીકરણ કેન્દ્રમાં બબાલ થઈ હોવાની વાતને સમર્થન આપી રસીકરણ માટે આવતા લોકો માટે વધુ ડોઝ ફાળવવામાં આવે તો જ આ કાયમી પ્રશ્નનો ઉકેલ આવી શકે તેમ હોવાનું ઉમેર્યું હતું.
  મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના વેકસીનેશન ઓફિસર વિપુલ કારોલિયાએ રસીકરણ ડોઝ અંગે જણાવ્યું હતું કે, આજે મોરબી માટે ૮૫૦૦ જેટલા ડોઝ આવ્યા હતા. જે પૈકી સિવિલ હોસ્પિટલ માટે ૨૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા હોવાનું તેમને જણાવ્યું હતું. જો કે ડોઝની ફાળવણીની સરખામણીએ વધુ લોકો રસી મુકવવા આવી પહોંચતા હોય રોજિંદી માથાકૂટ રહે છે ત્યારે મોરબીની વસ્તી ધ્યાને લઇ વધુ ડોઝ ફાળવવામાં આવે તો કાયમી પ્રશ્ન ઉકેલાય તેમ હોવાનું સામાજિક અગ્રણીઓ પણ જણાવી રહ્યા છ.

(6:35 pm IST)