Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જસદણમાં ચોટીલા રોડ ઉપરના પુલની રેલિંગ કરવા લોક માગણી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૭: જસદણ નજીકના ડુંગરપુર પાસે હાઇ વે ઉપરનાં પુલની બંને બાજુ રેલિંગ નહીં હોવાથી મોટો અકસ્‍માત થવાનો ભય છે. તાત્‍કાલિક રેલીંગ કરવાની જરૂરિયાત છે.

જસદણ ચોટીલા હાઈવે ઉપર ડુંગરપુર હનુમાનજી મંદિર નજીક જસદણ અને બાખલવડ ગામ વચ્‍ચેના સ્‍ટેટ હાઇ વે ઉપરના પુલ ઉપર બંને બાજુ રેલિંગ નથી. સતત ટ્રાફિકથી ધમધમતા આ પુલ ઉપર રેલિંગ નહીં હોવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ નીચે પડી જવાથી મોટો અકસ્‍માત થવાની શક્‍યતા છે. અંદાજે બે અઢી વર્ષથી આ પુલ રેલિંગ વિહોણો છે. બાખલવડ, પોલારપર, કમળાપુર, કડુકા, મદાવા સહિતના અનેક ગામડાઓમાંથી હજારો લોકો દરરોજ આ પુલ ઉપરથી પસાર થઈને તાલુકા મથક જસદણ ખાતે આવે છે. આ ઉપરાંત જસદણ થી ચોટીલાને જોડતો પણ આ પુલ છે. પુલ ઉપર રેલિંગ નહીં હોવાથી પશુઓ, વાહનચાલકો સહિતના લોકોની નીચે પડી જવાની અને મોટો અકસ્‍માત થવાની શક્‍યતા છે. અંદાજે પચીસ ફૂટ ઊંચા આ પુલ નીચે નદીમાં પાણી નથી પરંતુ કોઈ પડી જાય તો જીવલેણ બનાવ થવાની ભીતી છે. કોઈ મોટો બનાવ બને તે પહેલા આ પુલની રેલિંગ ફીટ કરવામાં આવે તેવી લોકોની માગણી છે.

(12:27 pm IST)