Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

પોરબંદરથી દિલ્‍હી મુંબઇ અમદાવાદની બંધ ફલાઇટ પુનઃ શરૂ કરવા રામભાઇ મોકરીયાની ઉચ્‍ચકક્ષાએ રજુઆત

કેન્‍દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયાને રામભાઇ દ્વારા રૂબરૂ મળીને ભારપુર્વક રજુઆતઃ અગાઉ રમેશભાઇ ધડુક અને બાબુભાઇ બોખીરીયાએ કેન્‍દ્રમાં ભલામણ કરી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ : પોરબંદરથી દિલ્‍હી, મુંબઇ અને અમદાવાદની બંધ થયેલ ફલાઇટ પુનઃ શરૂ કરવા સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા કેન્‍દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયાને રૂબરૂ રજુઆત કરી છે. અગાઉ સાંસદ રમેશભાઇ ધડુક, પુર્વ ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયાએ પણ ફલાઇટ શરૂ કરવા ભલામણ સામે રજુઆત કેન્‍દ્રમાં રજુઆતો કરી છે.

કેન્‍દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયા સાથેની રૂબરૂ મુલાકાતમાં રામભાઇ મોકરીયાએ  જણાવ્‍યું હતું કે, પોરબંદરથી અમદાવાદ, મુંબઇ, દિલ્‍હી ની ફલાઇટ નિયમિત ઉડે તે માટેની કાર્યવાહી વહેલીતકે કરવામાં આવે તે જરૂરી બન્‍યુ છે. પોરબંદર જિલ્લો મહાત્‍મા ગાંધીજી અને સુદામાજીનું જન્‍મસ્‍થળ છે. તદુપરાંત દ્વારકા અને સોમનાથ શહેર, જે હિન્‍દુ પવિત્ર યાત્રાધામ છે. જે પોરબંદર શહેરથી અનુક્રમે ૧૦૮ કિમી અને ૧૩૪ કિમીના અંતરે આવેલું છે. આ મુખ્‍ય  મુદાઓને ધ્‍યાનમાં લેતા પોરબંદર પ્રવાસન દ્વરા સંચાલિત ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને અર્થતંત્રમાં નોંધપાત્ર ભુમિકા ધરાવે છે.

પોરબંદર શહેરમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્‍ડીંગમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે એરપોર્ટ ર૦૦૮થી કાર્યરત છે. પરંત કમનસીબે માત્ર ૩ ફલાઇટ કાર્યરત હતી. પોરબંદરથી દિલ્‍હી (સ્‍પાઇસ જેટ) પોરબંદરથી મુંબઇ (સ્‍પાઇસ જેટ) અને પોરબંદરથી અમદાવાદ (ટુજેટ)  કમનસીબે આ તમામ ફલાઇટ કનેકશન પણ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવ્‍યા છે. પોરબંદર એરપોર્ટ પરથી ફલાઇટની કામગીરી ફરી શરૂ કરવા અંગે પુનવિચાર કરી તાત્‍કાલીક યોગ્‍ય કરવા કેન્‍દ્રીય ઉડ્ડયનમંત્રીને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું હતુ.

 

(1:24 pm IST)