Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાને ૬ માસની સજા

૨૦૧૦માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર થયેલા હૂમલા બાબતે માળીયા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્‍ય વિમલ ચુડાસમા સહિત ૩ મળતીયાઓને પણ સજા ફટકારી : મારામારીના કેસમાં અગાઉ કોર્ટે ધારાસભ્‍યને દોષિત જાહેર કર્યા હતાઃ કોર્ટે આજે સજા સંભળાવતા ખળભળાટઃ રાજકીય પડઘા

તસ્‍વીરમાં ફરીયાદી મીત વૈદ્ય પત્રકારોને માહીતી આપતા નજરે પડે છે

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા., ૭ : ગીર સોમનાથ જીલ્લાનાં સોમનાથનાં કોંગ્રેસના ધારાસભ્‍ય વિમલ ચુડાસમા સહિત ૪ ને માળીયાહાટીના કોર્ટ દ્વારા હુમલા કેસમાં ૬ મહિનાની સજા ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ર૦૧૦ માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા ઉપર હૂમલો કરવામાં આવ્‍યો હતો. અને આ બનાવ અંગે પોલીસ ફરીયાદ કરવામાં આવ્‍યા બાદ કોર્ટમાં પણ કેસ કરવામાં આવ્‍યો હતો.

આજે આ પ્રકરણમાં માળીયા હાટીના જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે વિમલ ચુડાસમા સહિત ૪ ને ૬ મહિનાની સજા ફટકારી છે.

આ કેસમાં વિમલ કાનાભાઇ ચુડાસમા, રહેવાસી, ચોરવાડ, લીમડા ચોક, હિતેશભાઇ જગદીશભાઇ પરમાર, રહેવાસી ચોરવાડ, જુંજારપુર રોડ, મોહન ઉર્ફે મંગુડી કાના વાઢેર, રહેવાસી ચોરવાડ, રામવાવ ચોક, રામજી ઉર્ફે બેરો કારાભાઇ વાઢેર, રહેવાસી ચોરવાડ પાણીના ટાંકાની બાજુમાં, વાળાઓને ઇ. પી. કો. કલમ ૩ર૩, અને ૧૪૯ સાથે વાંચતા તેના શિક્ષાપાત્ર ગુના માટે ૬ માસની સાદી કેદની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૪૭ શિક્ષાપાત્ર ગુના માટે ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.

આ અંગે ફરીયાદી મીત વૈદ્યે જણાવ્‍યું હતું કે ર૦૧૦માં ૭ નવેમ્‍બરના રોજ નુતન વર્ષના દિવસે તે અને તેના મિત્ર હરીશ નારાયણભાઇ ચુડાસમા સહીતના હોલીડે કેમ્‍પ ખાતે હતા ત્‍યારે વિમલ ચુડાસમા સહીતનાએ તેના ઉપર હુમલો કર્યો હતો. અને આ કેસ આજે માળીયા હાટીના કોર્ટમાં ચાલી જતા કોર્ટે સજા ફટકારી છે. હજુ પણ આરોપી સામે સજા લંબાવાઇ તે માટે સેસન્‍સ કોર્ટમાં અરજી કરવામાં આવશે.   આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે એ.પી.સીંઘી અને સ્‍પેશ્‍યલ પીપી તરીકે ડી.સી.ઠાકર રોકાયેલા હતા.

(3:31 pm IST)