Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સાવરકુંડલા : ગરીબ -મધ્યમ વર્ગનાં લોકોને સરકારી ખર્ચે કોરોનાની સારવાર આપો : ગ્યાસુદીન શેખ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૭: અમદાવાદાના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને કોરોના સહિતના દર્દીઓ મુદ્દે રજુઆત કરી હતી.

ગ્યાસુદીન શેખએ જણાવ્યું હતુ કે, આજે સમગ્ર દેશ અને રાજય કોરોનાની પરિસ્થિતિ ભયંકર બની છે. રાજયમાં કોરોનાનું સંક્રમણ અતિશય વધી ગયું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા મોટા શહેરો તો ઠીક હવે તો નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાના ડરથી રાજયના નાગરિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. નવા સ્ટ્રેઈનના કારણે કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

અમદાવાદ શહેરમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ સહિત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કાર્યરત વિવિધ હોસ્પિટલો યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, કીડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ તથા સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પ્રવર્તમાન સંજોગોમાં કોરોનાના કારણે સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટર પરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ હોસ્પિટલોમાં હવે બેડ ઉપલબ્ધ નથી ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને ફરજિયાત હોમ કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

અગાઉ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં જગ્યાઓ ઉપલબ્ધ ન હતી ત્યારે ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ જાહેર કરવામાં આવેલ. ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો કે જે ખાનગી હોસ્પિટલોમાં મોંધી સારવાર લઈ શકે એમ ન હતા ત્યારે આ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં આવા દર્દીઓને સરકારી ખર્ચે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. કાબુમાં આવેલ કોરોના બાદ આ ડેઝીગ્નેટેડ કરેલ ખાનગી હોસ્પિટલો સરકાર દ્વારા પરત કરવામાં આવેલ, પરંતુ હવે જયારે રાજયમાં પુનઃ કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે ત્યારે આ ખાનગી હોસ્પિટલોને પુનઃ ડેઝીગ્નેટેડ કરી કોરોના સંક્રમિત ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સરકારી ખર્ચે સારવાર ઉપલબ્ધ કરાવવી અત્યંત જરૂરી બની છે. મારી સમક્ષ આ અંગે સતત રજૂઆતો થઈ રહી છે.

(12:41 pm IST)