Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

મોરબી જિલ્લામાં તસ્કરોનો આતંક :પીપળી ગામ નજીક પેપર ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી લાખોના મશીન અને સાધનોની ચોરી

રૂપિયા ૮ લાખનું સ્લીટીંગ મશીન,૨૫ હજારની મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા ૧ લાખની કિમતની મશીનને લગાડવાની પાંચ ડાઇ મળી કુલ ૯.૨૫ લાખના મુદામાલની ચોરી

મોરબી જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત છે તાજેતરમાં પીપળી ગામ નજીક આવેલ પેપર ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં તસ્કરોએ સ્લીટીંગ મશીન અને તેના સાધનો સહિત રૂ.૯.૨૫ લાખના મુદામાલની તસ્કરી કરી હતી. આ સમગ્ર મામલે કારખાનાના માલિકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

મોરબીના રવાપર રોડ નીતિન પાર્કમાં રહેતા જીતેન્દ્રકુમાર અરજણભાઈ ભેસદડિયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પાર્ટનરશીપમાં વ્યવસાય કરે છે અને મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં તેમનું શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું આવેલું છે તારીખ ૭ જાન્યુઆરીના રોજ તેઓ પોતાના ભાગીદાર સાથે કારખાનું બંધ કરીને તેમના ગામે જવા નીકળ્યા હતા. અને તારીખ ૮ જાન્યુઆરીના રોજ સવારના ૦૯:૦૦ વાગ્યાની આસપાસ બોલેરો ચાલક સુરેશ પટેલ દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે કારખાનાના શટરનો દરવાજો ખુલતો નથી. જેથી જીતેન્દ્રભાઈએ તેમના પાર્ટનરને પણ આ બાબતની જાણ કરી હતી અને બંને જ્યારે તેમના કારખાને પહોંચ્યા હતા.
જે બાદ શટર ખોલીને નિહાળ્યું તો તેમના કારખાનામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાં તપાસ કરતા રૂપિયા ૮ લાખનું ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્લીટીંગ મશીન, રૂપિયા ૨૫ હજારની મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા રૂપિયા ૧ લાખની કિમતની મશીનને લગાડવાની પાંચ ડાઇ મળી કુલ રૂપિયા ૯.૨૫ લાખના મુદામાલની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે તેમણે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે.

   
(12:51 am IST)