Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

પોરબંદરમાં લોકોના પ્રશ્‍નો-ફરિયાદોના ત્‍વરિત નિકાલ માટે સ્‍વાગત કાર્યક્રમ

પોરબંદર,તા. ૧૦ : આગામી તા. ૨૫ના રોજ જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ યોજાશે. જાહેર જનતાએ તા. ૧૧ સુધીમાં જિલ્લા સેવા સદન-૧ ખાતે પ્રશ્‍નો મોકલવાનાં રહેશે.

લોકોના પ્રશ્‍નો અને ફરીયાદોના ત્‍વરીત નિકાલ માટે મુખ્‍યમંત્રી દ્વારા દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકોના પ્રશ્‍નો વહિવટી તંત્ર દ્વારા ઝડપી નિકાલ થાય તે માટે મુખ્‍યમંત્રીનો અભિગમ છે. જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાએ યોજવામાં આવે છે. પરંતુ તા. ૨૬ના રોજ જાહેર રજા હોય. આગામી સ્‍વાગત કાર્યક્રમ જાન્‍યુઆરી-૨૦૨૩ માસના ચોથા બુધવારે તા. ૨૫ ના રોજ બપોરે ૧૨ કલાકે ફરિયાદ નિવારણ સ્‍વાગત કાર્યક્રમ યોજાનાર છે.

જનતાને પોતાના કોઇ પણ ખાતા કે વિભાગને લગતા કોઇ પણ પ્રશ્‍નો કે ફરિયાદ જેવી કે, લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્‍નો મોકલવા, અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ/ પ્રત્‍યુતરની નકલ જોડવી, અગાઉ રજૂ કરેલ પ્રશ્‍ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્‍ન ક્રમાંક તથા માસનું નામ અવશ્‍ય લખવું, પ્રશ્‍ન કે અરજીમાં પ્રશ્‍નકર્તાનું પુરૂ નામ પુરેપુરૂ સરનામું જો ફોન નંબર હોય તો ફોન નંબર લખવો તથા પ્રશ્‍ન કે અરજીમાં અરજદારની સહી કરવી. સહી વગરની અરજી ધ્‍યાને લેવામાં આવશે નહીં.

આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્‍નની જાતે આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્‍નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્‍નો રજુ કરી શકશે નહીં. તા. ૧૧ બુધવાર સુધીમાં કલેકટર કચેરી, પોરબંદર ખાતે પ્રશ્‍નો મોકલવાનાં રહેશે.

(11:38 am IST)