Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

વાવાઝોડાના કારણે જૂનાગઢ-બિલખાના આશ્રમની મિલ્‍કતને થયેલ નુકશાની અંગેની ફરિયાદ નામંજૂર

જૂનાગઢ ગ્રાહક તકરાર ફોરમે આપેલ મહત્‍વનો ચુકાદોઃ વિમા કંપની તરફે ચુકાદો

રાજકોટ,તા. ૧૦ : મહારાજા શ્રી નથુરામ શર્મા આશ્રમ, બિલખાએ કુલ રૂા. ૩૩,૮૫,૯૨૦ વાવાઝોડાના કારણે આશ્રમની મિલ્‍કતને થયેલ નુકશાન મેળવવા કરેલ અરજી હકુમતના કારણોસર ફેસલ કરતા ગ્રાહક તકરાર કમિશન, જૂનાગઢે મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

બિલખા, જૂનાગઢ જીલ્લામાં આવેલ મહારાજા નથુરામ શર્મા આશ્રમે વિમા કંપની પાસેથી કુલ રૂા. ૨૧ કરોડનું રીસ્‍ક કવર કરતી સ્‍ટાન્‍ડર્ડ ફાયર અને પેરીલ્‍સની પોલીસ લીધેલ હતી. પોલીસીના સમય દરમ્‍યાન તા. ૧૭/૫/૨૦૨૧ના રોજ મધ્‍ય રાત્રીએ જૂનાગઢ અને આજુબાજુના વિસ્‍તારોમાં તોફાન અને તૌકાત નામનું વાવાઝોડુ આવતા ઉપરોકત આશ્રમમાં ડાયનીંગ હોલ, આશ્રમના રૂમો, આશ્રમના દરવાજાઓ, આશ્રમના વરંડાનો વિસ્‍તાર વિગેરેમાં મોટી નુકશાની આવેલી તથા ફર્નીચર અને ઇલેકટ્રીક સાધનોમાં પણ નુકશાન આવેલું, આથી ફરિયાદીએ વિમા કંપની સમક્ષ કુલ રૂા. ૩૭,૮૫,૯૨૦નો કલેઇમ નોંધાવેલો, પરંતુ વિમા કંપનીએ સદરહું કલેઇમ રેપ્‍યુડેટ કરતા ફરિયાદીએ ગ્રાહક તકરાર કમીશન, જૂનાગઢ સમક્ષ ફરિયાદ દાખલ કરેલ હતી.

આ કામમાં વિમા કંપની વતી શ્રી પી.આર.દેસાઇએ ૨૦૨૨નો તાજેતરનો નેશનલ કમીશનનું જજમેન્‍ટ તથા ૨૦૨૦નું નેશનલ કમીશનનું શ્રી રામ જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપની વિ. નિર્મળાદેવીના ચુકાદાઓ રજુ કરેલા હતા.

આ કામમાં ગ્રાહક તકરાર કમીશન, જૂનાગઢના પ્રમુખ જજશ્રી વાય.ડી.ત્રિવેદી અને સભ્‍યશ્રી કે.જે.ઠાકરે વિમા કંપનીના એડવોકેટ દલીલમાં તથ્‍ય છે, તેવું ઠરાવી હાલની ફરિયાદ હકુમત વિહીન હોય, રદ કરેલ છે, અને વિમા કંપની સામેની કોઇ દાદો મંજુર કરેલ નથી.

આ કામમાં વિમા કંપની વતી ધારાશાષાી પી.આર.દેસાઇ અને તેમની મદદમાં શ્રી સંજય નાયક, શ્રી કિરીટભાઇ વોરા અને સુનીલભાઇ વાઢેર, એડવોકેટ રોકાયેલ હતા.

(11:42 am IST)