Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

લક્ષ્યને ભેદવા અર્જુન જેમ અચૂક નિશાન તથા એકાગ્રતા જરૂરી : કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની

ભુજના માધાપર મધ્યે લક્ષ્યવેધ યુવા પ્રતિભા - સંવર્ધન પરિસંવાદમાં મંત્રી સ્મૃતિ ઈરાનીનું યુવાનોને પ્રેરક માર્ગદર્શન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

         જીવનમાં લક્ષ્યને ભેદવા માટે અર્જુનની જેમ  એકાગ્રતા પૂર્વક લક્ષ્ય પર નિશાન રાખવું જરૂરી છે.  જ્ઞાનથી મોટું કોઈ હથિયાર નથી જે લક્ષ્યને ભેદી શકે. લક્ષ્ય નિર્ધારિત કરો અને તેની પ્રાપ્તિ માટે સાચી દિશામાં પ્રયત્ન કરો અને નિષ્ફળતા મળે તો પણ ચિંતન કરીને નવો રસ્તો કંડારી ફરી લક્ષ્ય તરફ આગળ વધો તેવું આજરોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ માધાપર ખાતે શ્રી દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ આષૅ અધ્યયન કેન્દ્ર, ભુજ દ્વારા આયોજિત લક્ષ્ય વેધ યુવા પ્રતિભા - સંવર્ધન પરિસંવાદ કાર્યક્રમમાં યુવાનોને જણાવ્યું હતું.

         ભ્રષ્ટાચાર, ચારિત્ર્યહીનતા તથા હતાશા, નિરાશાના આવેશોમાં સપડાયેલી યુવાપેઢીને ઊર્જાવાન, ઉત્સાહી અને આત્મવિશ્વાસ સભર બનાવવા માટે કચ્છમાં પ્રથમ વખત ભાગવત કથા સાથે યોજાયેલા યુવા સેમિનારમાં યુવાનોને પ્રેરિત કરતા કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, સંતોષ જીવનનું મુખ્ય લક્ષ્ય હોય તો સંઘર્ષ ટાળી શકાય. આજે સંતોષ નથી તેથી સંઘર્ષ વધ્યો છે તેમણે જ્ઞાનની પ્રાપ્તિમાં દ્વેષની ભાવના તથા સતત  લેવાની વૃત્તિને સૌથી મોટી અડચણ ગણાવી હતી. તેમણે યુવાનોને સમાજને કંઈક આપવાની વૃત્તિ કેળવવા શીખ આપીને દાનીને સાચો સંતોષી ગણાવ્યો હતો . વધુમાં તેમણે ઉમેર્યું હતું કે , સરળતા અને સંસ્કાર આપણી મૂડી છે. જ્ઞાનનો ભંડાર હોય અને અહંકાર ન હોય તે જ વ્યક્તિ સરળ બનીને પ્રગતિ કરી શકે છે. તેમણે યુવાનોને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીનું કચ્છની ૧૬ ભરત કળાના નમુના વાળા સ્મૃતિ ચિન્હ આપીને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

            આ પ્રસંગે લક્ષ્યવેધ પરી સંવાદના પ્રણેતા સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ પ્રયત્ન, પ્રાર્થના અને સંકલ્પથી જ લક્ષ્ય વેધ શક્ય છે તેવું જણાવતા યુવાનોને નેગેટિવ વિચારને દૂર કરીને એકાગ્રતા સાથે લક્ષ્ય પૂર્તિના માર્ગે આગળ વધવા શબ્દબળ પૂરું પાડ્યું હતું. તેમણે જ્યાં જ્યાં પણ ભાગવત કથા થાય ત્યાં અચૂક યુવા શક્તિને જાગૃત અને મજબૂત કરવા આ પ્રકારના યુવા સેમિનાર કરવા અનુરોધ કર્યો હતો.

         કાર્યક્રમમાં કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા ,ભુજ નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર ,કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. જયરાજસિંહ જાડેજા, ઉદ્યોગપતિ દિપેશ શ્રોફ સહિત મોટી સંખ્યામાં ઓન લાઈન, ઓફ લાઈન યુવાવર્ગ તેમ જ આગેવાનો જોડાયા હતા.

(3:34 pm IST)