Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પોરબંદરના સેમી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં વારંવાર કેન્સલ કરાતી ફલાઇટો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૧ : અદ્યતન સેમી ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ ઉપરથી ઉપડતી પોરબંદર - મુંબઇ, પોરબંદર સહિતની ફલાઇટો કોઇને કોઇ કારણથી છેલ્લી ઘડીએ રદ કરાવવામાં આવતી હોય પેસેન્જરોમાં રોષ વ્યાપી ગયેલ છે.

જયારથી સેમી ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ સાકાર થયુ ત્યારપછી ફલાઇટો નિયમીત ટેઇક ઓફ થતી નથી. પોરબંદર મુંબઇ ફલાઇટમાં કાયમી પુરતો ટ્રાફીક છતા કોઇને કોઇ ટેકનીકલ કારણ આગળ ધરીને ફલાઇટ રદ થયાની જાહેરાત કરી દેવામા આવે છે. એરપોર્ટનું લેન્ડ ભાડુ આરસીએસ હેઠળ સ્ટાફ છે અને આરસીએસ કરાર પુર્ણ થયા બાદ ત્રણ વર્ષે રીન્યુ નહી કરાતા હાલ મુંબઇની જેટ ફલાઇટ બંધ હોવાનુ જાણવા મળે છે.

કોરોના સંકટ હળવુ થતા મુંબઇ ફલાઇટ એક મહિનો ઉડ્ડયન ચાલુ રહ્યુ હતુ ત્યારપછી બંધ થઇ છે. હાલ ટુ જેટ એરલાયન્સ દ્વારા પોરબંદર અમદાવાદ ફલાઇટ ચાલુ છે. આગામી તા.૨૮મીએ આરસીએસ સ્કીમના રીન્યુ સંબંધે દિલ્હીમા નિર્ણય લેવાશે. આ સ્કીમ રીન્યુ બાદ ફરી પોરબંદર મુંબઇ ફલાઇટ ચાલુ થઇ શકે તેમ જાણવા મળે છે.

એરપોર્ટ ખાતે થોડા સમય પહેલા એરલાયન્સ એડવાઇઝરી કમિટીની મીટીંગ સાંસદ રમેશભાઇ ધડુકની ઉપસ્થિતિમાં મળી હતી. ત્યારે પોરબંદરથી ઇન્ટરનેશનલ કક્ષા ફલાઇટ શરૂ કરવા માંગણી કરાઇ હતી પરંતુ ટુંકા રનવેનો પ્રશ્ન હોય રન વે લંબાવવા સાંસદ રમેશભાઇએ હૈયાધારણા આપી હતી.

(11:38 am IST)