Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે ધરણા વિરોધ પ્રદર્શન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૨:  કેશોદ કોંગ્રેસના આગેવાનો દ્વારા પેટ્રોલ-ડીઝલ,ગેસના ભાવ વધારાના વિરોધમાં ગઈકાલે શહેરના ચારચોક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન સાથે ધરણા કરવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી મોંદ્યવારી તેમજ પેટ્રોલ ડીઝલના વધતાં જતાં ભાવ ને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ અંગે દેશભરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે.ત્યારે કેશોદમાં પણ કોંગ્રેસેના પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુળા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણી તથા રમેશભાઈ ભોપાળા સહિતના કોંગ્રેસ આગેવાનો કાર્યકરો દ્વારા પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પેટ્રોલ ડીઝલ અને ગેસનાભાવ વધારાને લઇ કોગ્રેસ આક્રમક મૂડ માં જોવા મળી રહી હતી.ત્રાહિમામ પોકારેલ લોકોને સહાનુભૂતિ મળે તે હેતુસર ગુજરાતમાં ઠેરઠેર પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરી રહી છે.કેશોદ ચારચોક ખાતે આવેલ પેટ્રોલ પંપ પાસે કોંગ્રેસ દ્વારા વધતા જતા ભાવ અંગે વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ગેસ અને પેટ્રોલ ડીઝલના વધતાં જતા ભાવ સામે સરકાર સામે આખરે જનમત મેળવવા આંદોલન નું રણશિંગું ફૂંકાયું છે.કોંગ્રેસ દ્વારા ગેસના બાટલા લઈ ધરણાં યોજવામાં આવ્યાં હતાં.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ સરકાર સામે હાય હાયના નારા પણ લગાવ્યા હતા.સાથે જ કોંગ્રેસ દ્વારા બેનરો દર્શાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.કેશોદ પોલીસે જીલ્લા કલેકટરનાં જાહેરનામાં નાં ભંગ સબબ વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ આગેવાનોની અટક કરી હતી. કોરોના મહામારી વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની આર્થિક નિતિઓનાં ભોગે આવશ્યક ચીજવસ્તુઓનાં આસમાને પહોંચેલા ભાવથી પ્રજાજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

(10:00 am IST)