Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નવા મુખ્યમંત્રીની નિયુકિતને કચ્છ ભાજપે આપ્યો આવકાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૩: ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી પદે શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ આરૂઢ થતા તેમની વરણીને કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ સહિત સમગ્ર કચ્છ જીલ્લા ભાજપ પરિવાર દ્વારા આવકારવામાં આવી છે.

શ્રી કેશુભાઈ પટેલે આગામી સમયમાં ગુજરાત શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિકાસના નવા આયામો સર કરશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યું હતું કે શ્રી ભુપેન્દ્રભાઈ એક ઉચ્ચ આદર્શને વરેલા નખશિખ સિદ્ઘાંતવાદી પ્રતિભા છે. પાટીદાર સમાજના સંસ્થાનો ઉપરાંત અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પક્ષમાં પણ વખતોવખત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે અને હંમેશા પક્ષના મજબુત પાયામાં તેમનું સમર્થ યોગદાન રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં તેમના વડપણ હેઠળ ગુજરાત પુનઃ એક વખત સિદ્ઘિઓના શિખરને સર કરશે એ નિઃસંદેહ બાબત છે.

વધુમાં કેશુભાઇએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા નેતૃત્વની બાબતમાં સદૈવ ભાગ્યશાળી રહી છે. શ્રી વિજયભાઈ રૂપાણીના સુશાસન ભર્યા સંવેદનશીલ શાસને પણ પ્રત્યેક ગુજરાતીના મનમાં એક આગવી છાપ અંકિત કરી છે. લેન્ડ ગ્રેમ્બિંગ કાયદો, ગૌ હત્યા વિરોધી કાયદો, લવ જેહાદ વિરોધી કાયદો સહિતના અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણયો વડે શ્રી રૂપાણી ગુજરાતની જનતાના હૃદયના ઊંડાણ સુધી પહોંચ્યા છે ત્યારે હવે ભુપેન્દ્રભાઈ પટેલના સ્વરૂપમાં ગુજરાતને પૂનઃ એક સક્ષમ નેતૃત્વ પ્રાપ્ત થયું છે જે પ્રત્યેક ગુજરાતી માટે અત્યંત હર્ષની બાબત છે.

(11:23 am IST)