Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મહિલાઓને જોડવામાં આવશે તો જ સહકારી પ્રવૃતિ સફળ અને સંગીન બની રહેશે : સવિતાબેન

ભાવનગરમાં યુવા મહિલા સહકારી શિક્ષણ તાલીમ વર્ગની પુર્ણાહુતિ

ભાવનગર તા.૧૫ : ગુજરાત રાજય સહકારી સંઘની મહિલા સહકારી શિક્ષણ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે ૬ દિવસની મુદ્દતનો યુવા મહિલા સહકારી શિક્ષણ તાલીમ વર્ગનો પુર્ણાહુતી સમારોહ તાજેતરમાં જિલ્લા સહકારી સંઘની મહિલા સમિતિના ચેરપર્સન સવિતાબેન પટેલના પ્રમુખસ્‍થાને વી.પી.કાપડીયા મહિલા આર્ટસ કોલેજ ભાવનગર ખાતે યોજાયો હતો.

આ અવસરે ભાવનગર જિલ્લા સહકારી સંઘના મહિલા સમિતિના ચેરપર્સન સવિતાબેન પટેલે જણાવ્‍યું હતુ કે, આજે મહિલાઓ પુરૂષ સાથે ખંભેખંભા મિલાવીને કામ કરી રહી છે. ગ્રામ્‍ય જીવનમાં મહિલાઓનો સવિશેષ ફાળો રહ્યો છે અને ઘર ગૃહસ્‍થી સંભાળવા ઉપરાંત નાના નાના બચત ગૃપો સખીમંડળો, અથાણા, પાપડ બનાવવા તથા પશુપાલનની પ્રવૃતિઓ કરીને આવી કારમી મોંઘવારીના સમયમાં ઘર ચલાવવામાં ખૂબ મદદરૂપ થાય છે અને આજે મહિલાઓ વિવિધ પ્રકારની મંડળીઓમા઼ પણ ઘણી સારી જગ્‍યાઓ ઉપર હોદ્દેદાર છે ત્‍યારે બહેનો જિલ્લા સંઘના ઉપક્રમે યોજાતા કોલેજના આવા તાલીમ વર્ગોમાં જોડાઇને સહકારી પ્રવૃતિને સમજીને જીવનમાં ઉતારી આ ક્ષેત્રની સફળતા વિશે સમજ આપી હતી.

ભાવનગર જિલ્લા સહકારી સંઘના ઉપાધ્‍યક્ષ નીપાબેન મહેતાએ જણાવ્‍યું હતુ કે સહકારી પ્રવૃતિએ કેવળ આપણા માટે નહી પણ જીવન ઘડતર માટે ખૂબ જ ઉપયોગી છે તેમણે આવા મહિલા વર્ગોના માધ્‍યમ દ્વારા બહેનોને આગળ વધવા અપીલ કરી હતી અને સરકારશ્રી તરફથી આ ક્ષેત્રે મળતી બહેનોની વિવિધ યોજનાઓનો લાભ લઇ સહકારી મંડળી બનાવવા માટે અપીલ કરી હતી.

ભાવનગર જિલ્લા સહકારી સંઘના માનદમંત્રી ગંગારામભાઇ રાજયગુરૂએ જણાવ્‍યું હતુ કે, જિલ્લા સહકારી સંઘ દ્વારા ચાલતા આજના કોલેજ કક્ષાના યુવા મહિલા સહકારી તાલીમ વર્ગમાં આજે સૌ જે રીતે જોડાયા છો તે રીતે સહકારી તાલીમને શિક્ષણ માટે સદેવ જોડતા રહેશો. જિલ્લા સહકારી સંઘ દ્વારા ભવિષ્‍યમાં યોજાતા જૂદા જૂદા પ્રકારના સહકારી તાલીમ વર્ગોમાં તથા વૈકુંઠભાઇ મહેતા સહકારી વ્‍યવસ્‍થાપન તાલીમ કેન્‍દ્ર નારી ખાતે ચાલતા ડીસીએમ તાલીમ વર્ગમાં પણ સૌને જોડાવવા અને સહકારી પ્રવૃતિમાં પોતાની કારકિર્દી બનાવવા અપીલ કરી હતી.

આ અવસરે વી.પી.કાપડીયા મહિલા આર્ટસ કોલેજના અધ્‍યાપક નિલેશભાઇએ જણાવ્‍યું હતુ કે રોજગારી પુરી પાડતા માધ્‍યમોમાં સહકારી ક્ષેત્ર આજે પણ એટલુ જ અગ્રેસર રહેલુ છે. સહકારી ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે પોતે આગળ વધી પોતાની કારકિર્દી બનાવીને દેશને માટે તેમજ સહકારી ક્ષેત્ર માટે પોતાનુ યોગદાન આપે તેવી અપીલ કરી હતી.

આ વર્ગમાં ત્રણ તાલીમાર્થી બહેનોએ પોતાનો પ્રતિભાવ આપ્‍યો હતો. આ વર્ગમાં ૩૩ બહેનોએ ઓફલાઇન તેમજ ૪૯ બહેનોએ ઓનલાઇન તાલીમ મેળવી હતી. આ વર્ગનું સંચાલન ભાવનગર જિલ્લા સહકારી સંઘના ચીફ એકઝી. ઓફીસર રમેશભાઇ વેદાણી અને ગુજરાત રાજય સહકારી સંઘના મહિલા સીઇઆઇ નીરૂબેન પ્રજાપતિએ કર્યુ હતુ.

(11:48 am IST)