Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

મોરબીમાં કોંગી કાર્યકર પર હુમલાની ઘટનામાં આઠ શખ્સો સામે ફરિયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૭: મોરબીમાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાર્યકરના ઘર પર સોમવારે જીવલેણ હુમલો કરવાના ચકચારી બનાવમાં એ ડીવીઝન પોલીસ મથકમાં આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાય છે. વિગત મુજબ ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે તાલુકા સેવાસદનમાં વોર્ડ નંબર ૧ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના જૂથ અને વોર્ડ નંબર ૧ના કોંગ્રેસના કાર્યકર કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે છુટા હાથની મારામારીના બનાવ બાદ સમાધાન થયું હતું પણ સાંજના સમયે વાવડી રોડ વિસ્તારમાં આવેલ સોસાયટી પર રહેતા કોંગ્રેસ કાર્યકર કનુંભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના ઘરે સાંજે હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ આતંક મચાવ્યો હતો અને સમગ્ર પરિવાર તેમજ આસપાસના વિસ્તારને બાનમાં લઈ કાયદો વ્યવસ્થાના જાણે ભય જ ન હોય તે રીતેએ આરોપીઓએ ધોકા પાઇપ જેવા હથિયારથી બન્ને ભાઈ પર જીવલેણ હુંમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે જેમાં કનુંભાઈના ભાઈ હરિભાઈએ એ ડિવિઝન પોલીસ સમક્ષ મોરબી પાલિકાના વોર્ડ ૧ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય ૬ જેટલા અજાણ્યાં શખ્સો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના ભાઈ કનુભાઈ ઉર્ફે કર્નલભાઈને સવારે સેવા સદન ખાતે દેવાભાઈ સાથે માથાકુટ થઈ હતી જેનો ખાર રાખી આરોપીઓએ તેના ઘર પર જીવલેણ હુમલો કરી બન્ને ભાઈઓને ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ બી.પી.સોનારાએ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

તંત્રે રેલીની મંજુરી ના આપી હોવાનો આક્ષેપ

મોરબી શહેરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખના ઘર ઉપર ભાજપના ઈશારે હુમલો કરવાની ઘટનાના વિરોધમાં  કોંગ્રેસ દ્વારા મૌન રેલી યોજી વિરોધ કરવા નક્કી કરાયું હતું પરંતુ તંત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી રેલીને મંજૂરી આપવામાં ન આવતા અંતે આ રેલી રદ્દ કરવામાં આવી હતી. સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે સવારથી નવા બસસ્ટેન્ડ આસપાસ પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસના આગેવાન લલિત કગથરાએ જણાવ્યું હતું કે તંત્ર અમને મજુરી ન આપતા રેલી રદ કરવામાં આવે છે તો આ અગે અધિક કલેકટર કેતન જોષી જણાવ્યું હતું કે રેલી માટેની ચુંટણી અનુસંધાને મંજુરી પ્રોસેસ કરવાની કીધી હતી તે કાર્યવાહી થઈ કોઈ કાગળ અમારી સુધી પહોંચ્યો નથી એ આવે એપછી મજુરી આપવી કે ન આપવી તેનો નિર્ણય લઇ શકાય.

મોરબીમાં કોંગ્રેસ આગેવાનો છ શખ્સોને કોવીડ ટેસ્ટ બાદ અટક કરશે

મોરબીમાં ચુંટણી નો માહોલ જાણે ગરમાયો હોય તેવું લાગી રહ્યું છે એટલે ગઈકાલે કોગ્રેસના આગેવાન અને તેના ભાઈ પર ભાજપના ઉમેદવારના ભત્રીજા સહિતના સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો જે બાબતે એ ડીવીઝન પોલીસ મથકમાં આઠ શખ્સો વિરુધ ફરિયાદ નોંધાય હતી જેમાં એ ડીવીઝન પોલીસે ઇમરાન જેડો, વિપુલ અવાડીયા, કાનભા ગઢવી, રફીક જામ, અસલમ શેખ અને જુનેદ નામના શખ્સને કોવીડ ટેસ્ટ બાદ અટક કરશે તેવું પણ જાણવા મળ્યું છે.

લખધીરપુર રોડ પર રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

સીટી બી ડિવિઝન પોલીસ લખધીરપુર રોડના નાકા પાસેથી પસાર થતી સી.એન.જી રીક્ષા નંબર જીજે ૧ ટીએ-૭૮૮૬ને શંકાના આધારે અટકાવીને તેની ચેક કરતા રિક્ષામાંથી ભારતીય બનાવટનો ૧૨ બોટલ અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો. ૩૦ હજારની કિંમતની રીક્ષા તથા રૂપિયા ૪૫૦૦ની કિંમતનો દારૂ મળી ૩૪૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રામસિંગ બળદેવ માલકીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીમારીથી કંટાળીને આપઘાત

કંડલા બાયપાસ ઉપર કામધેનુ રિસોર્ટની પાછળના બાલાજી હોમ્સ ફ્લેટ નંબર-૩૦૨માં રહેતા મનસુખભાઇ હંસરાજભાઈ રાણીપા ઉ.વ.૫૧ આધેડે દ્યેર ગળે ફાંસો ખાઇ લીધોહતો. જેના મૂર્તદેહ ને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતેખસેડવામાં આવ્યો હતો તપાસ અધિકારી એચ.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે મૃતક મનસુખભાઈ રાણીપાને મોઢાનું કેન્સર હોય શારીરિક બીમારીથી કંટાળી જઈને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે.

(1:05 pm IST)