Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જામનગરમાં મતદાન પ્રક્રિયામાં ઉહાપોહ થતાં કલેકટર દ્વારા ૪૦૦ જેટલા બેલેટ મત રદ

જામનગર : જામનગરમાં હોમગાર્ડના બેલેટ પેપરના મતદાન ને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના નેતાઓએ દોડી જઈને એક તરફી મતદાન કરી રહ્યાના આક્ષેપ સાથે ભારે હોબાળો થયો હતો ત્યારે તાત્કાલિક પોલીસ પણ દોડી ગઇ હતી. અને કલેકટરના આદેશ અનુસાર તમામ બેલેટ પેપર કબજે કરી લેવાયા હતા (તસવીરઃ કિંજલ કારસરીયા જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વાર) જામનગર,તા. ૧૮: જામનગરમાં હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટ થી મતદાન પ્રક્રિયા થઇ હતી જેમાં કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટીના ઉમેદવારો અને સમર્થકો દ્વારા ફેસેલીટી સેન્ટર ન હોવા છતાં પણ મતદાન પ્રક્રિયા થતાં વિરોધ કરાયો હતો જેને પગલે સમગ્ર ઘટનાને લઇને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સમગ્ર મામલો કલેકટર કચેરીએ પહોંચ્યો હતો અને અંતે કલેકટરે આ સમગ્ર પ્રક્રિયામાં તમામ બેલેટ પેપરથી થયેલ મતદાન રદ કર્યા છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ને પૂર્વે ચૂંટણી ફરજ પર જનારા હોમગાર્ડના જવાનો માટેનું પોસ્ટલ બેલેટથી મતદાન માટે હોમગાર્ડ યુનિટમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં એક પક્ષ તરફી મતદાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કાઙ્ખંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા હોબાળો મચાવ્યો હતો આ હોબાળાને પગલે તંત્ર પણ દોડતું થયું હતું.

આ સમગ્ર ઘટનાને લઇને કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ એ પણ ભાજપ સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ સાથે અધિકારીઓની મિલીભગતથી આ પ્રકારની બેલેટ પેપરથી ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા કારસો રચાયો છે અને આ અંગે જવાબદારો સામે પગલા લેવા તેમજ એફઆઇઆર કરવા પણ માગણી કરી છે.

જામનગરમાં હોમગાર્ડના જવાનો ધ્વારા કરાયેલા પોસ્ટલ બેલેટ વહીવટીતંત્ર દ્વારા તાબડતોબ કબજે કરી લેવામાં આવ્યા હતા, અને હોમગાર્ડ ઓફિસર સહિતના ખુલાસાઓ માંગવામાં આવ્યા છે. કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ આ સમગ્ર મુદ્દે તપાસના આદેશો પણ આપ્યા છે. અને તાત્કાલિક બેલેટ પેપરો રદ કરવાનો નિર્ણય લીધો છે.

જામનગરના હોમગાર્ડ યુનિટમાંજ બુધવારે જ ચૂંટણીની ફરજમાં રોકાનારા હોમગાર્ડના સભ્યો માટે આજે પોસ્ટલ બેલેટ વિતરણ કરવાના હતા. જોકે તેમને ફેસિલિટી સેન્ટર ન હોવા છતાં મતદાન યોજવામાં આવ્યું હતું, અને જેથી ઉહાપોહ થયો હતો. લાલ બંગલા નજીક આવેલી કચેરીએથી હોમગાર્ડના સભ્યોને પોસ્ટલ બેલેટ સાથે એક તરફી મતદાન કરાવવામાં આવી રહ્યું છે, તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા , મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી ,અને અસ્લમ ખીલજી તેમજ અન્ય અગ્રણીઓ, કાર્યકર્તાઓ, ઉમેદવારો ઉપરાંત આમ આદમી પાર્ટી ના કરશન કરમુર પણ હોમગાર્ડ ઓફિસે દોડી ગયા હતા, અને વિરોધ દર્શાવ્યો હતો. મતદાન કરાવવામાં પક્ષપાત રાખવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરતાં આખરે વહીવટી તંત્ર દોડતું થયું હતું, અને બેલેટ પેપર કબજે કરી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે જિલ્લા કલેકટર દ્વારા હોમગાર્ડ અધિકારી અને કર્મચારીઓનો ખુલાસાઓ માંગવામાં આવ્યા છે.

જામનગરમાં જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા તમામ ૪૦૦ જેટલા બેલેટ મત રદ પણ કર્યા છે. અને ચોખવટ પણ કરાઈ છે કે, ફકત બેલેટ વીતરણ કરવા ના હતા.પરંતુ સીધુ મતદાન પણ કરાવી દેવાયું હતું. જેને લઈને આ સમગ્ર કિસ્સાને લઈને જામનગરમાં ચૂંટણી પૂર્વે પ્રથમ તબક્કે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયામાં જ ઉહાપોહ થતા માહોલ ગરમાયો છે.

(12:57 pm IST)