Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

આવતા રવિવારે ગોંડલ નગરપાલિકા અને જેતપુર - નવાગઢ નગરપાલિકાની પેટા ચૂંટણી થશે : ગોંડલમાં ૧૧ વોર્ડ - ૪૪ બેઠકો

ગોંડલમાં ૯૦ મતદાન મથકો : કુલ ૮૯૬૧૮ મતદારો : જેતપુર પેટા ચૂંટણીમાં ૧૦૧૦૪ મતદારો

રાજકોટ તા. ૧૯ : રાજકોટ જિલ્લામાં ગોંડલ  નગરપાલિકાની સામાન્ય ચુંટણી અને જેતપુર નવાગઢ નગરપાલિકાની પેટા ચુંટણી માટે ચુંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે.

ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે મતદાન થશે. જેમાં ૯૦ મતદાન મથકો સુનિશ્વીત કરવામાં આવ્યા છે. બે આર.ઓ. અને બે એ.આર.ઓ.ના માર્ગદર્શન હેઠળ ફરજ પરના સ્ટાફને કામગીરી અંગેની સુચના આપવામાં આવી છે.

ગોંડલ નગરપાલિકામાં ૨૧૦ બીયુ અને ૧૦૫ સીયુ ચૂંટણી કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવશે. મતદાનની કામગીરીમાં ગોંડલ નગરપાલિકા માટે ૬૬૫ પોલીંગ અને ૯૫ પોલીસ સ્ટાફ તેમજ જેતપુર નવાગઢની પેટા ચુંટણીની એક બેઠક ૧૧ મતદાન મથકોમાં ૬૫ નો પોલીંગ સ્ટાફ તથા ૧૭ પોલીસ જવાનો પણ ફરજ બજાવશે. આ પેટા ચુંટણી માટે ૧૩ બીયુ - સીયુ ઉપયોગમાં લેવામાં આવશે.

ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ૪૬,૩૫૪ પુરૂષ અને ૪૩,૨૫૭  સ્ત્રી મતદારો અને ૭ અન્ય મતદારો મળી કુલ ૮૯,૬૧૮ મતદારો મતદાન કરશે. જયારે જેતપુર - નવાગઢ ન.પા પેટા ચુંટણી માટે ૫,૨૪૯ પુરૂષ અને ૪,૮૫૫  સ્ત્રી મતદારો મળી કુલ ૧૦,૧૦૪ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

(11:01 am IST)