Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અમરેલી જીલ્લામાં વાવાઝોડાથી ૩ મોતઃ અબોલ જીવોનો ભોગ લેવાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૯: જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ ભારે નુકશાન કર્યુ છે. ઉપરાંત ત્રણના મોત થયા છે ઉપરાંત એક વ્યકિત ગુમ હોવાનું બહાર આવ્યુ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર તૌકતે વાવાઝોડાને કારણે જાફરાબાદના એક અને સાવરકુંડલાના એક અને ધારીના એક બાળક મળી કુલ ત્રણ વ્યકિતના મોત નિપજયા છે અને જાફરાબાદનો એક ગુમ થતા શોધખોળ હાથ ધરી છે. મોત અને ગુમ અંગે વિશેષ વિગતો મેળવવા તજવીજ હાથ ધરાઇ છે.

તૌકતે વાવાઝોડાને પગલે અબોલ જીવોને પણ ભારે પરેશાની વેઠવી પડી છે અમરેલીમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ જતા અબોલ જીવોનો ભોગ લેવાયો છે ખાસ કરીને ચિતલ રોડ પર આવેલા સરદાર સર્કલ નજીક વૃક્ષો પડયાની સાથે સૌથી વધારે પોપટ મર્યા છે આજે સવારે અનેક પોપટ સહિત પક્ષીઓના મૃતદેહો જોવા મળ્યા હતા તે જોઇને જીવદયા પ્રેમીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી. શહેરના ફોરવર્ડ સર્કલ પાસે વર્ષો જુના ગાયકવાડી વૃક્ષોમાં હજારો પોપટ અને પક્ષીઓ રહેતા હતા તે વૃક્ષો જમીન દોસ્ત થતા તમામના માળા તુટયા હતા અને હજારો પોપટના મોત થયા છે.

(1:06 pm IST)