Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

'મારૃ ગામ હરિયાળુ ગામ'...જસદણ અને વિંછીયા તાલુકાને હરિયાળો બનાવવા કુંવરજીભાઈ બાવળીયાનું અભિયાન

પ્રા. શાળાઓ, ગ્રા. પંચાયતો, પેટા આરોગ્ય કેન્દ્રો, પીએચસી/સીએચસી કેન્દ્રો, આંગણવાડીઓ, નંદઘરો, સ્મશાન, સહકારી મંડળીઓ, ગામ પાદર સહિતની જગ્યાઓમાં ૧૦૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૯ :. 'મારૃ ગામ હરિયાળુ ગામ' અંતર્ગત જસદણ તાલુકાના ૫૯ અને વિંછીયા તાલુકાના ૪૬ ગામો મળી બન્ને તાલુકાના કુલ ૧૦૫ ગામડાઓમાં ગામ દીઠ ૧૦૫ વૃક્ષોનું વાવેતર કરી તાલુકાને હરિયાળો બનાવવાનું અભિયાન ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હાથ ધર્યુ છે.

કુંવરજીભાઈ બાવળીયાએ વૃક્ષોના મહત્વ બાબતે જણાવ્યુ કે, પૃથ્વી ઉપરની જીવંત વસ્તુ વનસ્પતિ છે, કુદરતે માનવીને અનુકુળતા માટે વનસ્પતિનું નિર્માણ કર્યુ છે, પ્રદુષણ નિવારણ માટે વૃક્ષો ઉપયોગી બને છે, પ્રત્યેક વનસ્પતિનો ગુણ માનવીને અતિ ઉપયોગી છે અને પૃથ્વી ઉપર વસતા તમામ જીવોનું આશ્રય સ્થાન વનસ્પતિ છે. વનસ્પતિએ જમીન, પાણીનું રક્ષણ અને પોષણ કરે છે. માનવીને ખોરાક, ઓકસીજન, દવા અને મૃત્યુ સમયે સાથે વનસ્પતિ ભળે છે અને વૃક્ષોમાં પણ જીવ છે જેને પણ માનવી જેટલો જીવવાનો અધિકાર છે જેથી વૃક્ષારોપણને મહત્વ આપવુ એ સૌની ફરજ છે. તાલુકાની પ્રજા - આવનારી પેઢીના આરોગ્યની સુખાકારી માટે વૃક્ષારોપણનુ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

તા. ૧૯-૬-૨૧ શરૃ થનારા અભિયાન દરમ્યાનના પ્રથમ તબક્કામાં શીવરાજપુર, ગોડલાધાર, માધવીપુર, ગઢડીયા (જસ), વડોદ, નવાગામ, ગોખલાણા, આંબરડી ગામનો સમાવેશ કરવામાં આવશે. તાલુકાને હરિયાળો બનાવવાના કાર્યક્રમમાં ગામડાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓ, પેટા આરોગ્ય કેન્દ્રો, પીએચસી-સીએચસી કેન્દ્રો, આંગણવાડીઓ, નંદઘરો, સહકારી મંડળીઓ, સ્મશાન, ગામ પાદર સહિતની જગ્યાઓમાં જગ્યાના પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે જે તે ગામોમાં યોજાનારા કાર્યક્રમ દરમ્યાન કુમારીકાઓ પાસે વૃક્ષારોપણ કરાવી ગામના દરેક યુવાન ભાઈ-બહેનો, વડીલો, આગેવાનોને વૃક્ષોના જતન માટેની જવાબદારી સોંપવામાં આવશે.

વૃક્ષારોપણ દરમ્યાન જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેનો આયુર્વેદ ઉપયોગ થાય, વધુ ઓકસીજન વાતાવરણમાં ભેળવે તેવા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેવા કે લીંબડો, કરંજ, પીપળો, પેલ્ટોફોર્મ, બહેડો, અરડુસી સહિતની મહત્વના વૃક્ષો-વનસ્પતિઓનું વાવેતર કરી લોકોને વૃક્ષોનું મહત્વ અને વૃક્ષો દ્વારા ઓકસીજનની ઘટ કેવી રીતે પૂર્ણ થાય તે બાબતે જાગૃત કરવામાં આવશે. આવનારા વરસોમાં ખડકાળ અને ડુંગરાળ તાલુકાને હરિયાળો બનાવવાની ઈચ્છા કુંવરજીભાઈ બાવળીયાએ વ્યકત કરી છે.

(1:25 pm IST)