Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કેશોદમાં ગુંડાઓ ઉભા કરેલા છેઃ હિરાભાઇ જોટવાના પ્રહારો

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૯ :.. વિધાનસભાની થનારી ચૂંટણીમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનાર હિરાભાઇ જોટવાના ટેકામાં યોજાયેલા જનસમર્થન કાર્યક્રમના પ્રત્યુતરમાં હીરાભાઇએ જણાવેલું કે, વેરાવળ, માંગરોળ, જુનાગઢ વિગેરેમાં જી.આઇ. ડી.સી. છે કેશોદમાં આવુ કાંઇ નથી છતાં કેશોદના વેપાર ધંધા સારામાં સારા છે. કેશોદના મગફળી, શીંગદાણા, ઘઉં, ફર્નીચર, જેવી આઇટમો દેશના વિવિધ વિસ્તારો સહિત વિદેશમાં પણ જાય છે. એ જ રીતે આખા જુનાગઢ જિલ્લામાંથી લોકો કેશોદમાં ખરીદી માટે આવે છે. અત્યારના સમયમાં વેપાર કરવો વધુ મુશ્કેલ છે છતાં કેશોદના વેપારીઓએ પોતાની અત્મસુઝથી પોતાના ધંધા વિકસાવ્યા છે. કેશોદના વેપારીઓ શાંતી અને મિલનસાર સ્વભાવના છે.

જયારે કહેવાતા ગુંડાઓ વિષે આકરી ભાષામાં વાત કરતા હિરાભાઇ જોટવાએ કહયું હતું કે કેશોદમાં કોઇ ગુંડાઓ છે જ નહિ. અગાઉના ધારાસભ્યોએ પોતાના ધંધાકીય અને આર્થિક હિતો સાચવવા માટે ગુંડાઓ ઉભા કરેલા છે. પોતાના ઘરની બહાર નિકળવામાં પણ આ લોકોને આવા તત્વોનો સહારો લેવો પડે છે. જયારે અમો તો ભગવાન કૃષ્ણના વંશજો છીએ નબળા લોકોનું રક્ષણ કરવુ એ અમારી ફરજ છે.  અને અમો તો ઘણીફુટ ફાયરીંગમાં પણ એકલા જવાવાળા છીએ અમારે સત્ય અને નિડરતા સિવાય કોઇની જરૃર પડતી નથી. આહીર સમાજના આ વિસ્તારના ૩પ હજાર મતદારોમાંથી દશેક આવા તત્વો છે અને તેના કારણે બાકીના ૩૪૯૯૦ મતદારોને વિરોધીઓ પોતાના અંગત રાજકીય હિત માટે બદનામ  કરે છે. આ સ્થિતિ અમારા માટે અસહય છે અને આવુ કાંઇપણ સંજોગોમાં અમો ચાલવશુ નહિ જ.

હીરાભાઇ જોટવાએ કહયું કે આ વિસ્તારમાં આ વખતે ચતુષકોણીય જંગ છે. ભાજપ (ર) કોંગ્રેસ (૩) આપ અને (૪) અપક્ષ જો આવતી કાલે મતદાન થાય તો ભાજપ-આપ. અને અપક્ષના કુલ મત જેટલા મત કોંગ્રેસને મળી શકે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. અલગ-અલગ જ્ઞાતિઓના નામ સાથે જણાવેલું કે અત્યાર સુધીમાં  કુલ ૩૯ જ્ઞાતિઓએ પોતાને સામેથી આવકારી બહુમાન કરેલુ છે. આ બહુમાનના જવાબરૃપે તમામને યથા યોગ્ય મદદ પણ કરેલી છે. આ આર્થિક મદદ મારી અંગત કમાણીની રકમમાંથી કરેલી છે હું સૌને સાથે રાખી ચાલનારો માણસ છું અને તમારો વિશ્વાસ  હશે એવું કોઇ કામ આ હિરો નહિ કરે તેનું વચન આપું છું. સંમેલનમાં કેશોદ-માંગરોળ સહિત અન્ય વિસ્તારના પણ ધાર્મિક, રાજકીય અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ સતત ત્રણ કલાક ચાલ્યો હતો. જે કેશોદના આજ સુધીના ઇતિહાસની નોંધપાત્ર હકિકત હતી. આ કાર્યક્રમમાં વિવિધ આગેવાનોએ પ્રવચનો કર્યા હતાં.

(1:20 pm IST)