Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભાવનગર સી.જી.એસ.ટી.ના ઇન્‍સ્‍પેકટર અને સાથી કર્મચારીને ધમકી

મારમાર્યાના આક્ષેપ સામે સી.જી.એસ.ટી. ઇન્‍સ્‍પેકટરે ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાવી

ભાવનગર તા.૨૦: ભાવનગરમાં સીજીએસટીની ટીમ ઉપર હુમલો કરવાની ઘટનામાં મુખ્‍ય આરોપી વલી મોહમ્‍મદ હાલારીની એલ.સી.બી.એ ધરપકડ કર્યા બાદ જમીન મુક્‍ત થયેલા વલી હાલારીએ સ્‍ટેટમેન્‍ટ નોંધતી વખતે સીજીએસટીના ઇન્‍સ્‍પેક્‍ટર અને સાથી કર્મચારીઓને ધમકી આપ્‍યાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલી છે.

આ અંગે મળતી વિગતો મુજબ ગત જુલાઈ માસમાં નવાપરા વિસ્‍તારમાં બોગસ બિલ્‍ડીંગ અંગે તપાસ માટે ગયેલી સી.જી.એસ.ટી. ટીમ ઉપર હુમલાની ઘટનામાં મુખ્‍ય આરોપી વલીમહંમદ જમાલભાઈ હાલારીની એલ.સી.બી.એ ધરપકડ કર્યા બાદ તે જામીન મુક્‍ત થતા સી.જી.એસ.ટી. ટીમે તેને કસ્‍ટડીમાં લઈને સ્‍ટેટમેન્‍ટ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન વલી હાલારીએ સી.જી.એસ.ટી.ના ઇન્‍સ્‍પેક્‍ટર અભયસિંઘ રણવીરસિંઘ સિંઘ અને સાથે કર્મચારીઓને ગાળો આપી ખોટા કેસમાં ફસાવી દઈશ અને હું ભલે જેલમાં જઇશ, તમને પણ સાથે જેલમાં લઈ જઈશ તેમજ તમને તથા તમારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આ અંગે સી.જી.એસ.ટી.ના ઇન્‍સ્‍પેક્‍ટર અભયસિંઘ સિંઘે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે રાત્રિના સમયે સી.જી.એસ.ટી. ટીમે માર માર્યાના આક્ષેપ સાથે વલી હાલારીને સારવાર માટે હોસ્‍પિટલ લઈ જવાયો હતો, જયાં તેણે સી.જી.એસ.ટી ટીમે માર મારી મોટી રકમની માંગણી કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ સામે સી.જી.એસ.ટી. ઇન્‍સ્‍પેક્‍ટરે તેણે સ્‍ટેટમેન્‍ટ નોંધાવતી વખતે અવારનવાર ધમકી આપી હોવાની સામી ફરિયાદ નોંધાવી હતી.

(11:38 am IST)