Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ગ્રામ પંચાયતોમાં મહિલાઓનો દબદબોઃ મોડેથી ચિત્ર સ્પષ્ટ થશે

મતપત્રકોના કારણે પરિણામ મોડા આવ્યાઃ મત ગણતરી કેન્દ્રોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્તઃ ઉમેદવારોના સમર્થકો ઉમટ્યા

પ્રથમ ચોકથી પાંચ તસ્વીરમાં ગોંડલમાં મત ગણતરી સ્થળે બંદોબસ્ત, સમર્થકો નજરે પડે છે. છઠ્ઠી તસ્વીરમાં ગીર સોમનાથ મત ગણતરી સ્થળે બંદોબસ્ત, સાતમી અને આઠમી તસ્વીરમાં ઉપલેટામાં તથા નવમી તસ્વીરમાં ધોરાજીમાં સમર્થકો નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ, દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ, જગદીશ રાઠોડ-ઉપલેટા, ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

રાજકોટ, તા., ૨૧ : રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલ ચૂંટણી બાદ આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોના સરપંચ કોણ બનશે ? તેનો ફેંસલો મોડી રાત સુધીમાં આવી જશે. જોકે અત્યાર સુધીમાં આવેલા પરીણામમાં મહિલાઓનો દબદબો જોવા મળ્યો છે.  અનેક ગ્રામ પંચાયતોમાં સરપંચ પદે મહિલાઓ વિજેતા થઇ છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થયુ હોવાથી પરિણામ મોડા આવશે.

મત ગણતરી કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત છે.

આજે સવારથી ઉમેદવારોના સમર્થકો મત ગણતરી કેન્દ્રો ખાતે ઉમટી પડયા છે.

સૌરાષ્ટ્રની ૨૯૩૪ કુલ ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયુ હતું. સરેરાશ ૭૪.૬૬ ટકા મતદાન નોંધાયુ છે. હવે તેની મત ગણના દરેક તાલુકા મથકે યોજાઈ છે.

૯૮ જિલ્લાની ૨૯૪૩ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણના માટે ૫૭ સેન્ટર ઉપર ૮૫૦ ટેબલ ઉપર ગણના યોજાશે. ગણના માટે ૫૭૯૫ કર્મચારીઓને નિયુકત કરાયો છે. ખાસ રિસિવીંગ સેન્ટર ઉપર જ બનાવાયેલા મતગણના કેન્દ્ર ઉપર સ્ટ્રોંગરૂમમાં સિલ કરાયેલ મતપેટીઓ ખોલવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૧૧ તાલુકા મથકોએ ૨૧૨ ટેબલ ઉપર મતગણના શરૂ થઈ છે. આ માટે ૯૨૪ કર્મચારીઓને નિયુકત કરાયા છે. દરેક જિલ્લામાં મતદાનને ધ્યાને રાખીને બેકઅપ વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ જિલ્લામાં તાલુકા મથકોએ મતગણના માટે હોલ નક્કી કરાયેલા છે.

ગોંડલનો અહેવાલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલઃ ધુળશીયાના સરપંચ પદે અશ્વીનભાઇ ઠુંમર, કરમાળ કોટડાના સુરેશભાઇ બેરાણી, સાજડીયાળીના સોનલબેન સોરઠીયા, ભંડારીયામાં મંજુલાબેન માલાણી, નાના મહિકામાં વિજયભાઇ વિરડીયા, ગરનાળામાં સુભાષભાઇ વિરપડીયા, મોટા સખપરમાં વિજયભાઇ ડોબરીયા સહીતના પરીણામો જાહેર થયા છે.

જામનગરનો અહેવાલ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ  ધ્રોલ તાલુકાના સગાડીયામાં પદુભા જાડેજા, સુઘાગુનામાં દેવાભાઇ ભુંડીયા, ધરમપુરમાં પ્રભાબેન રાઠોડ સહીતના વિજેતા થયા છે.

ખંભાળીયાનો અહેવાલ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના ખજુરીયામાં રામાભાઇ આંબલીયા,  માધુપુરમાં રાઘુબેન આંબલીયા, કાલાવાડ સીમાળીમાં રંજનબેન અપારનાથી, ભાણવડના ચાંદવડમાં ગોગનભાઇ કરમુર સહીતના વિજેતા જાહેર થયા છે.

મોરબીનો અહેવાલ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબીના જોધપર નદીના સરપંચ તરીકે હંસાબેન સુરેલા, જેપુરમાં વસંતાબેન નરેશભાઇ કાવઠીયા, ચકમપરમાં અવનીબેન કાલરીયા,  લખધીરનગરમાં ધર્મિષ્ઠાબેન ફેફર વિજેતા જાહેર થયા છે.

(3:58 pm IST)