Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મેંદરડાના કેનેડીપુરમાં સરપંચની ચૂંટણીમાં ‘તમે હારી જ જવાના હતાં’ કહી હુમલોઃ અશોક શિંગાળા સહિત ૪ને ઇજા

અશોકને સારવાર માટે રાજકોટ ખસેડાયોઃ તેના મામાની દિકરી મુક્તાબેન મકવાણાનો પરાજય થયા બાદ રાવત, ભાભલુ, બાઘા સહિતના તૂટી પડ્યાનો આક્ષેપઃ શૈલેષ મકવાણા, નાગદાન અને ચનુને પણ ઇજા

રાજકોટ તા. ૨૨: મેંદરડાના કેનેડીપુરમાં ગઇકાલે સરપંચની ચૂંટણીના પરિણામ બાદ હારી ગયેલી પેનલના મહિલા ઉંમેદવારના સગાઓ પર ‘તમે હારી જ જવાના હતાં’ કહી ઝઘડો કરી હુમલો કરવામાં આવતાં ચારને ઇજા થઇ હતી. જેમાં એક યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
કેનેડીપુરમાં રહેતાં અને ખેત મજૂરી કરતાં અશોક કાળાભાઇ શિંગાળા (ઉં.વ.૩૫) નામના યુવાનને ઘાયલ હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે મેંદરડા પોલીસને જાણ કરી હતી. અશોકે પોતાના પર ગામના રાવતભાઇ કાઠી, ભાભલુભાઇ, બાઘાભાઇ અને અજાણ્યાએ ધોકા-તલવારથી હુમલો કર્યાનું કહેતાં તે મુજબની એન્ટ્રી મેંદરડા પોલીસમાં નોંધાવી હતી.
અશોકના સગાએ જણાવ્યું હતું કે અશોકના મામાની દિકરી મુક્તાબેન મનસુખભાઇ મકવાણા સરપંચની ચૂંટણીમાં ઉંભા હતાં.
જેનો ગઇકાલે પરાજય થયો હોઇ તે બાબતે રાવતભાઇ કાઠી સહિતનાએ અશોકને ‘તમે હારી જ જવાના હતાં’ કહે મશ્કરી કરતાં તેને આવું બોલવાની ના પાડતાં હુમલો કરાયો હતો. અશોકને છોડાવવા વચ્ચે પડેલા શૈલેષ મનસુખભાઇ મકવાણા (ઉં.૨૭), નાગદાન મનસુખભાઇ મકવાણા (ઉં.૩૨) તથા ચનુ નાગદાન મકવાણા (ઉં.૧૬)ને પણ ઇજા થઇ હતી. મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:39 am IST)